વડોદરા સેન્ટ્રલ જેલમાં એક કેદીનું મોત નિપજતા જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ગઈકાલે વડોદરા કોર્ટે તેને ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની સજા અને દોઢ લાખનો દંડ ફટકાર્યો હતો. જેલમાં ગયાના બીજા જ દિવસે કેદીની તબિયત લથડી હતી જેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
વડોદરા સેન્ટ્રલ જેલના કેદીનું મોત
મૃતક કેદીની પત્નીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમના પતિ જેલમાં ઠંડીને કારણે મૃત્યુ પામ્યા છે. તેમને હાર્ટની બિમારી હતી. પોલીસે મૃતક કેદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની પત્નીએ કહ્યું હતું કે, મારા પતિને ચેક રિટર્ન કેસમાં સજા થઈ હતી. તેમને અમારો મકાન માલિક હેરાન કરતો હતો. અમે છેલ્લા પાંચ વર્ષથી રહેતા હતાં અને નિયમિત ભાડુ પણ ચૂકવતા હતાં.
ગઈકાલે મારા પતિ જેલમાં ગયા હતાં
અમારો આપેલો ચેક બાઉન્સ થયો હતો અને અમે કોર્ટમાં સમય માગવાના હતાં. ગઈકાલે મારા પતિ જેલમાં ગયા હતાં. હું તેમને મળવા માગતી હતી પણ તેમને મળવા દીધા નહોતા. તેમનું હાર્ટનું ઓપરેશન કરાવવાનું હતું પણ અમારી સ્થિતિ સારી નહીં હોવાથી તેમનું ઓપરેશન કરાવ્યું નહોતુ. જેલમાં તેઓ ઠંડીને કારણે મૃત્યુ પામ્યા હોવાનો પત્નીએ આક્ષેપ કર્યો હતો.