મોરબીઃ મોરબીના નગર દરવાજા વિસ્તારમાં આતશબાજી કરીને રામ મંદિરમાં ધ્વજા રોહણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોરબી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ તથા દુર્ગાવાહિની દ્વારા આતશબાજી કરી ઉજાણી કરવામાં આવી હતી. રામ મંદિર પર ધર્મ ધ્વજા લહેરાવવામાં આવી છે. આ સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટેનું આ પ્રથમ પગલું છે.
મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી
અયોધ્યા રામ જન્મભૂમિ ધામમાં રામ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કર્યું હતું. 22 ફૂટ લાંબા અને 11 ફૂટ પહોળા તથા 3 કિલો વજન ધરાવતી ધર્મ ધ્વજાનું રોહણ કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં આવીને મોદીએ સપ્તમંદિરમાં દર્શન કર્યા હતા અને પ્રભુ રામની આરતી પણ કરી હતી. ધ્વજારોહણ કર્યા બાદ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અયોધ્યાના પાવન ધામમાં શુભ કાર્ય સંપન્ન થયું છે.રામ મંદિર પર ગૌરવશાળી ધ્વજ, વિકસિત ભારતના નવજાગરણની સંસ્થાપના છે. આ ધ્વજ એ નીતિ અને ન્યાયનું પ્રતિક છે.સુશાસનથી સમૃદ્ધિનો પથદર્શક છે.આ ધ્વજ વિકસિત ભારતની ઊર્જા બની સદાય લહેરાશે.આ પ્રસંગે મોરબીમાં આ તમામ સંસ્થાના લોકોએ એકબીજાને મો મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.