અમદાવાદઃ અમદાવાદમાં વર્ષો જૂના મંદિરો અસ્તિત્વ ધરાવે છે. આ મંદિરોનું એક આગવું મહત્ત્વ હોય છે. માતાજીનું મંદિર હોય કે શિવાલય, દરેક મંદિર સાથે અમદાવાદની કે ધર્મની એક કથા જોડાયેલી હોય છે. આવી જ એક કથા અસારવામાં આવેલા મંદિર સાથે જોડાયેલી છે. જ્યાં મોટી સંખ્યામાં ભાવિકો શ્રદ્ધા સાથે દર્શન કરવા આવે છે. અસારવામાં આવેલા આશરે 700 વર્ષ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં બુધવારથી અન્નપૂર્ણા માતાજીના 21 દિવસના પવિત્ર વ્રતનો શુભારંભ થયો છે.
દર્શનાર્થીઓ માટે ખુલશે મંદિર
આ વ્રત પરંપરા અનુસાર, માતા અન્નપૂર્ણાનાં દર્શન માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે. વર્ષમાં આ જ વ્રત દરમિયાન અન્નપૂર્ણા માતાજીના દર્શન માટેનો દ્વાર ખોલવામાં આવે છે. મંદિર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, આ વર્ષે અન્નપૂર્ણા માતાજીના વ્રત દરમિયાન મંદિર 26 નવેમ્બરથી 16 ડિસેંબર સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ સુખ, શાંતિ અને ઘરમાં ધાન્યની સમૃદ્ધિ માટે માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરશે.
મંદિરનો ઈતિહાસ
મંદિરના ઈતિહાસ મુજબ,આ નીલકંઠ મહાદેવ મંદિરની સ્થાપના શ્રી સ્વામી હિરાપુરીજી મહારાજ દ્વારા કરાઈ હતી, જેમને ગુરુ દ્વારા અન્નપૂર્ણા માતાજીની મૂર્તિ પ્રદાન કરવામાં આવી હતી. આ જ મૂર્તિની સ્થાપના મહાદેવના સાનિધ્યમાં કરાઈ છે. માતા અન્નપૂર્ણાને અન્ન અને પોષણના દેવી માનવામાં આવે છે.શ્રદ્ધાળુઓનું માનવું છે કે, આ 21 દિવસ દરમિયાન માતાજીના દર્શન કરવાથી ઘરમાં ક્યારેય અન્ન ખૂટતું નથી અને સમસ્ત પરિવાર પર માતાજીના આશીર્વાદ કાયમ રહે છે. વ્રત નિમિત્તે મંદિર પરિસરમાં દરરોજ સવારે અને સાંજે વિશેષ આરતીનું આયોજન કરાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેશે.