નવી દિલ્હીઃ પીએમ મોદીએ ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરીને સ્પેસ ક્ષેત્રે એક નવા અધ્યાયનો પ્રારંભ કરાવ્યો છે. સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ વિક્રમ-1નું અનાવરણ થતાં એક વિશાળ તકનું સર્જન થયું છે. મોદીએ ગુરુવારે હૈદરાબાદમાં ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, દેશ અવકાશ ક્ષેત્રમાં એક વિશાળ તક જોઈ રહ્યો છે.
સ્પેસ ક્ષેત્રે ખાનગીક્ષેત્રનો પ્રવેશ લાભકારી
ખાનગી ક્ષેત્રના ઉદય સાથે ભારતની અવકાશ ઇકોસિસ્ટમ એક મોટી છલાંગ લગાવી રહી છે. જેનાથી નવી દિશા ખુલી રહી છે. સ્કાયરૂટનું ઇન્ફિનિટી કેમ્પસ ભારતની નવી વિચારસરણી, નવીનતા અને યુવા શક્તિનું પ્રદર્શન કરે છે. દેશના યુવાનોની નવીનતા, ઉદ્યોગસાહસિકતા નવી ઊંચાઈઓ સુધી પહોંચી રહી છે. આજનો કાર્યક્રમ ભવિષ્યમાં વૈશ્વિક ઉપગ્રહ પ્રક્ષેપણ ઇકોસિસ્ટમમાં ભારત કેવી રીતે અગ્રણી તરીકે ઉભરશે તેની ઝલક છે. તેમણે પવન કુમાર ચંદના અને ભરત ઢાકાને અભિનંદન આપતા કહ્યું કે, આ બે યુવા ઉદ્યોગસાહસિકો દેશભરના અસંખ્ય યુવા અવકાશ ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણાસ્ત્રોત છે.
ભારતના સપનાની ઊંચાઈ
દેશ તેમના પર ગર્વ અનુભવે છે. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે ભારતની અવકાશ યાત્રા મર્યાદિત સંસાધનો સાથે શરૂ થઈ હતી પરંતુ દેશની મહત્ત્વાકાંક્ષાઓ ક્યારેય મર્યાદિત નહોતી. સાઇકલ પર રોકેટના પાર્ટ્સ લઈ જવાથી લઈને વિશ્વના સૌથી વિશ્વસનીય લોન્ચ વ્હિકલ્સ વિકસાવવા સુધી ભારતે સાબિત કર્યું છે કે સપનાની ઊંચાઈ સંસાધનો દ્વારા નહીં પરંતુ સંકલ્પ દ્વારા નક્કી થાય છે. ઇસરોએ દાયકાઓથી ભારતની અવકાશ યાત્રાને નવી પાંખો આપી છે અને આ ક્ષેત્રમાં દેશની અલગ ઓળખ સ્થાપિત કરી છે. અવકાશ ક્ષેત્રનું વિસ્તરણ સ્પષ્ટ છે, કારણ કે તે સંદેશાવ્યવહાર, કૃષિ, દરિયાઈ દેખરેખ, શહેરી આયોજન, હવામાન આગાહી અને રાષ્ટ્રીય સુરક્ષાનો પાયો બની ગયો છે. આ જ કારણ છે કે ભારતના અવકાશ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારા કરાયા, સરકારે તેને ખાનગી ઇનોવેશન માટે ખોલ્યું અને નવી સ્પેસ પોલિસી ઘડી છે.