સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરથી અમદાવાદ જતી એસ. ટી. બસનું ટાયર ફાટતા બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવો ચોંટ્યા હતા. બસ ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને બસને રસ્તા પર અટકાવી દીધી હતી. કડુ ગામ પાસે ટાયર ફાટવાની ઘટના બની હતી. આ ઘટના બાદ સુરેન્દ્રનગર એસ.ટી. વિભાગને જાણ કરવામાં આવી હતી. એસ.ટી. બસ રસ્તામાં અટવાઈ હોય એવી આ કોઈ પહેલી ઘટના નથી. સુરેન્દ્રનગર એસટી ડેપોથી સવારના 9 વાગે સુરેન્દ્રનગર-અમદાવાદ રૂટની બસ દોડે છે. મહાનગરમાં આવીને કામ પૂરા કરતા લોકો માટે આ બસ ડાયરેક્ટ ક્નેક્ટિવિટી છે. આથી જ આ બસમાં કાયમી ધોરણે મોટી સંખ્યામાં મુસાફરોની બેઠેલા હોય છે.
રસ્તાની બાજુએ બસ ઊભી રાખી દીધી
રવિવારે પણ આ બસ તેના નિયત સમયે બસ સ્ટેશનથી ઉપડી હતી જ્યારે આ બસ લખતરના કડુ પાસે પહોંચી એ સમયે અચાનક બસનું ટાયર ફાટી ગયું હતું. જોરદાર ધડાકા સાથે રોડ પરની ધૂળ ઉડતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બસના ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બસ રસ્તાની બાજુમાં લીધી હતી. જોકે બસમાં બેઠેલા તમામ 60 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જો બસ પલટીને ખાડીમાં પડી હોત તો મોટી દુર્ધટના સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.