સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર માર્ગ અકસ્માતના બે બનાવમાં માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે પાંચ વ્યક્તિને ઈજા પહોંચી છે. સાયલા-સુદામડા રોડ પર ડમ્પરે ગોંડલ તાલુકાની બાળકીને કચડી હતી.જ્યારે બીજા એક બનાવમાં લીંબડી-રાજકોટ હાઈવે પર બલદાણા વચ્ચે અકસ્માત થતાં પાંચ વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. સાયલા-સુદામડા રોડ ૫૨ આવેલા એક પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં સાડા સાડા ત્રણ વર્ષની બાળકી આશા પરિવાર સાથે ઊભી હતી ત્યારે ડમ્પરે અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ડમ્પર ચાલક ફરાર
મૃતક બાળકી પોતાના પરિવાર સાથે સાયલા તાલુકામાં મારવાળા મેલડી માના દર્શન કરવા આવી હતી. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. સાયલા પોલીસ થળ પર પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુડામડાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ડમ્પર ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લીંબડી-રાજકોટ હાઈવે પર બલદાણા ગામના પાટિયા પાસે એક આઈશરમાં પંચર પડતાં ચાલકે તેને રોડ પર ઊભું રાખી ચેક કરી રહ્યો હતો. તે દરમિયાન, પૂરપાટ ઝડપે પાછળથી આવતા ટ્રક ચાલકે આઈશરને ટક્કર મારતા આઈશર રોડની સાઈડમાં આવેલા એક મકાનની દીવાલ સાથે અથડાયું હતું.
રાજકોટ જઈ રહ્યા હતા.
આઈશરમાં રહેલા 25 લોકો પૈકી 5 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિકતપાસમાં આઇશરમાં સવાર આ તમામ લોકો અમદાવાદથી રાજકોટ ખાતે કોઈ પ્રસંગમાં બેન્ડ વગાડવા જઈ રહ્યા હતા. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક જામ હળવો કરી વધુ તપાસ હાથ ધરી છે.