અમદાવાદઃ રાજ્યમાંથી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે. ડ્રગ્સને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ સાથે એક દંપતિ ઝડપાયું છે. શહેરના વાડજ વિસ્તારમાં અખબાર નગર પાસે રહેતા કમલેશ બિશ્નોઈ અને રાજેશ્વરી પાસેથી પોલીસે ₹35,77,500 ની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. ગુજરાતમાંથી પકડાયેલા આ ડ્રગ્સનું ક્નેક્શન રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી નીકળ્યું છે. આ પતિ-પત્નીમાંથી પતિ પાંચ દિવસ પહેલા રાજસ્થાનના સાંચોર ખાતે પોતાના ઘરે ગયો હતો.
એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો
કમલેશકુમાર બિશ્નોઈ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. આ જથ્થો ઉત્તર પ્રદેશના મહાનગર લખનઉ ખાતેથી લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેક મહિનાથી આ દંપતિ છૂટક સ્ટોક ગ્રાહકોને વેચી રહ્યા હતા. આ દંપતિ કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતા નથી. આ ડ્રગ્સ અહીંયા સુધી કેવી રીતે આવ્યું અને ડ્રગ્સ ડિલિંગ ક્યાં કોણ કરી રહ્યું હતું એ અંગે પોલીસે બન્નેની પૂછપરછ શરૂ કરી દીધી છે. દંપતિની વાતમાંથી ડ્રગ્સનું ક્નેક્શન રાજસ્થાન કે યુપીના બીજા શહેર સુધી નીકળી શકે એવી પૂરી શકયતાઓ છે.