નવી દિલ્હીઃ દેશના હવામાન વિભાગે દેશમાં આ વર્ષે કાતિલ ઠંડી પડશે તેવી ચેતવણી આપી છે. શિયાળાની સીઝન ત્રણ મહિના કરતા લાંબી રહેશએ અને વધારે ઠંડી પડશે.જમ્મુ-કાશ્મીર, હિમાચલ, લદાખ, ઉત્તરાખંડના કેટલાય વિસ્તારોમાં બરફવર્ષા થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેની અસર સમગ્ર દેશમાં થવાની છે. ખાસ કરીને પશ્ચિમના રાજ્યોમાં ઠંડી વધશે. કેદારનાથમાં તો તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રીની નીચે આવી ગયો હતો.
કાશ્મીરમાં તાપમાન માઈનસમાં
હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના વિસ્તારોમાં શીત લહેરની આગાહી કરી છે. ખાસ કરીને જમ્મું કાશ્મીર, લદ્દાખ, હિમચાલ પ્રદેશ તથા ઉત્તરાખંડના રાજ્યમાં હિમવર્ષાના પગલે મંગળવારથી આવનારા ચાર દિવસ સુધી ઠંડીનું જોર વધશે.કાશ્મીરના અમુક જિલ્લાઓમાં તાપમાન શુન્ય થઈ ગયું હતું.શ્રીનગરમાં તાપમાન -1.9 ડિગ્રી સુધી નોંધાયું હતું. જ્યારે બારામુલ્લામાં -4.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.કુપવાહમાં -3.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પહલગાંવમાં હિમવર્ષના કારણે પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો.

મધ્ય પ્રદેશમાં ઠંડી વધી
જબલપુર, ગ્વાલિયર, ઈન્દોર, ભોપાલ અને ઉજ્જૈનમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ઊતરી ગયું છે. હવામાન ઠંડુગાર થતા દિવસ કરતા રાત વધારે ઠંડી અનુભવાઈ રહી છે. ખાસ કરીને વહેલી સવારે ટાઢક વર્તાતા તેની સીધી અસર જનજીવન પર પડી છે. દેશના હવામાન વિભાગે જણાવ્યા અનુસાર ઉત્તર ભારત, મધ્ય ભારત તથા પૂર્વોત્તરના રાજ્યોમાં આ વર્ષે ધારણા કરતા વધારે ઠંડી પડવાની છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં ઉત્તર ભારતમાં સતત શીત લહેર અનુભવાશે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા સુધી ઠંડીના કારણે જનજીવન ખોરવાયું છે.
