નવી દિલ્હીઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ અને ડ્રગ્સના મુદ્દે ચાલી રહેલા રાજકારણમાં રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ઝંપલાવ્યું છે. જિજ્ઞેશ મેવાણી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા બાદ હવે કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટ કરીને) પર કહ્યું હતું કે, ગુજરાતના યુવાનો નશાની દુનિયામાં ધકેલાઈ રહ્યા છે. ગુનાખોરીના વધી રહેલા ગ્રાફને લઈને રાહુલે ગુજરાતમાં સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો છે. ડ્રગ્સ અને દારૂના મામલે પોલીસની ભૂમિકા સામે કાયમ સવાલ ઊઠ્યા છે ત્યારે દિલ્હી સુધી આ વિષયનો પડઘો પડતા નશા જેવા ગંભીર દૂષણ પર રાજનીતિ થઈ રહી છે. અત્યાર સુધી ‘ઉડતા પંજાબ’ એવું કહેવાતુ હતું પણ હવે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વકરતા ઉડતા ગુજરાત બની રહ્યું છે. જિજ્ઞેશ મેવાણીએ પટ્ટા ઊતરાવી દેવાની વાતના મુદ્દે પટ્ટાનું પોલિટિક્સ શરૂ થયું છે.

‘ગુજરાતના ગદ્દારોને કેમ બચાવાઈ રહ્યા છે’
રાહુલ ગાંધીએ હિન્દીમાં ટ્વિટ કરતા લખ્યું હતું કે, ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોએ ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું હતું કે, રાજ્યમાં વધી રહેલા નશાના વેપલા, સેવન, ગેરકાયદેસર દારૂ અને ગુનાખોરીથી સુરક્ષા ઘટી છે. ગુજરાત સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની એ ધરતી છે જ્યાં સત્ય, નૈતિકતા અને ન્યાયની પરંપરા રહી છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાખોરીની અંધારી દુનિયામાં ધકેલાઈ રહ્યું છે. મહિલાઓ રસ્તા પર ઊતરી છે કારણ કે ગુનેગારોને સત્તા પર રહેલાઓનું સુરક્ષા કવચ મળી રહ્યું છે. ગુજરાત પૂછી રહ્યું છે કે, ભાજર સરકાર આ મુદ્દે ચુપ શા માટે છે. એ કોણ ભાજપના મંત્રી છે જેની રહેમ નજર હેઠળ આ બધુ ચાલી રહ્યું છે. ગુજરાતના ગદ્દારોને કેમ બચાવવામાં આવી રહ્યા છે. આ પહેલા જિજ્ઞેશ મેવાણીએ આકરા શબ્દોમાં પોલીસના પટ્ટા ઊતરાવી દેવાની વાત કહી હતી.
गुजरात में चल रही कांग्रेस की जन आक्रोश यात्राओं के दौरान लोगों ने, खासकर महिलाओं ने, बार-बार कहा है कि राज्य में बढ़ते नशे, अवैध शराब और अपराध ने उनके जीवन में असुरक्षा को गहरा दिया है।
गुजरात महात्मा गांधी और सरदार पटेल की वह धरती है, जहां सत्य, नैतिकता और न्याय की परंपरा रही…
— Rahul Gandhi (@RahulGandhi) December 2, 2025
‘ડ્રગ્સનો કારોબાર કેમ નષ્ટ ન કર્યો’
રાહુલ ગાંધીએ આગળ લખતા કહ્યું કે, એક મોટો મુદ્દો જે આ યાત્રાની બેઠક દરમિયાન સામે આવ્યો તે ખેડૂતોનો મુદ્દો છે. ભાયનક પૂરમાં હજારો ગુજરાતી પરિવારો પડી ભાંગ્યા છે. ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે રાહત પેકેજ નિયમિતપણ મળતું હતું. આજે ગુજરાત ડૂબી રહ્યું છે, ડબલ એન્જિન સરકાર છે, તેઓ પ્રધાનમંત્રી છે ન પૂરતી રાહત દેખાઈ રહી છે ન સંવેદના. ગુજરાતમાં ભયાનક જનાક્રોશ છે. દરેક પરિવાર પોતાના સંતાનોના ભવિષ્યને લઈ ચિંતિત છે. દરેક પરિવાર એ પૂછી રહ્યો છે કે, ખેડૂતોનું દેવું માફ કેમ ન કર્યું, ડ્રગ્સનો કાળો કારોબાર નષ્ટ કેમ ન કર્યો. કોંગ્રેસ પ્રજાનો અવાજ સાંભળતી રહેશે અને ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતા તથા ભ્રષ્ટાચારને સતત ઉઘાડતી રહેશે. એમના આ ટ્વિટથી સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જુદા-જુદા જિલ્લાઓમાંથી લોકો જિજ્ઞેશ મેવાણીનું સમર્થન કરી રહ્યા છે.