અમદાવાદઃ ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા તેમજ ન્યાયતંત્ર પર વધી રહેલા ભારણના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યની નીચલી અદાલતોમાં ક્રિમિનલ કેસોની સંખ્યામાં થયેલો વધારો રેકોર્ડબ્રેક સ્તર પર પહોંચ્યો છે. જે સમાજ માટે ખરેખર ચિંતાનો વિષય છે. એક વર્ષના સમયગાળામાં ડિસેમ્બર 2024 થી ડિસેમ્બર 2025 ના ક્રિમિનલ કેસોમાં 3.44 લાખનો વધારો નોંધાયો છે. આ આંકડો ચિંતાજનક છે. આ આંકડો સીધો ઈશારો કરે છે કે, રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસ-રાત વધી રહ્યું છે.
એક વર્ષમાં વધી કેસની સંખ્યા
ગુજરાતની નીચલી અદાલતોમાં તારીખ 1 ડિસેમ્બર 2024 સુધી 12,36,524 ક્રિમિનલ કેસ હતા, જેમાં એક વર્ષમાં વધારો થયો છે. તારીખ 1 ડિસેમ્બર 2025 સુધીમાં વધીને 16,08,271 પર પહોંચી ગયા. આ આંકડાનું વિશ્લેષણ કરતા એ વાત સામે આવી કે, રાજ્યની કોર્ટમાં દૈનિક ધોરણે સરેરાશ 1028 નવા કેસ દાખલ થઈ રહ્યા છે. ક્રિમિનલ કેસ મામલે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે કેસ છે એ પછી બીજા ક્રમે ગુજરાતનું નામ આવે છે. એ પછી મહારાષ્ટ્રનો ક્રમ આવે છે.

સિવિલ મેટર્સ ઘટી
ફોજદારી ગુના વધી રહ્યા પણ સિવિલ મેટર્સમાં ઘટાડો થયો છે. એક વર્ષની તુલના કરવામાં આવે તો સિવિલ સંબંધીત કેસમાં 15,682 નો ઘટાડો થયો છે. કોર્ટકેસ મામલે વર્ષો સુધી રાહ જોવી પડે એવી સ્થિતિ વારંવાર ઊભી થાય છે. આ વાત હવે સામાન્ય બની ગઈ છે. દાયકા પછી ન્યાય મળે એ સમયે સ્થિતિ પણ બદલી ચૂકી હોય છે. ગુજરાત રાજ્યની નીચલી અદાલતમાં છેલ્લા ચાર દાયકાથી મોટી સંખ્યામાં કેસ પેન્ડિગ છે. ચોંકાવનારી વાત એ છે કે,મોટા ગુનાના કેસમાં એક અને બાકીના 6 ગંભીર કહેવાતા કેસમાં હજુ સુધી કોઈ નિકાલ થયો નથી.
જિલ્લાઓમાં કોર્ટ વધી
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કોર્ટની સંખ્યામાં વધારો થયો છે. આધુનિક ઈન્ફ્રા. અને ઝડપથી કેસનો નિકાલ થાય એ માટે નવી ઈમારતમાં કોર્ટ કચેરીઓ શરૂ થઈ રહી છે. જેનો હેતું ઝડપથી આવા કેસનો નિકાલ થાય એ છે. મહાનગરમાં આવેલી કોર્ટ કચેરીઓમાં નાના-મોટા કેસની સંખ્યા ઘટે અને ઝડપથી પ્રક્રિયા પૂરી થાય એ માટે જરૂરી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઓનલાઈન અને ડિજિટાઈઝેશનથી મોટી મદદ મળી રહી છે. જે ખરા અર્થમાં સારી વાત છે.