અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી માટે કુખ્યાત બની ગયું છે. મુસાફરો પાસેથી સોનું પકડાયા બાદ હવે એરલાઈન્સ કંપનીનો સ્ટાફ સોનાની દાણચોરીમાં સામિલ હોવાનું સામે આવ્યું છે. ઈન્ડિગો એરલાઈન્સના બે સુરક્ષા અધિકારી અલ્તાફ ઉસ્માન અને સંદીપ રાવ હંમેશા નાઈટ શિફ્ટ લેતા હતા પણ ઈન્ટરનેશનલ ટર્મિનલમાં જતા ન હતા. આ બન્ને શખ્સો દ્વારા 4 મહિનામાં 120 ફ્લાઈટમાંથી 100 કિલો સોનું બહાર કાઢવામાં આવ્યું હોવાનું સામે આવતા દોડધામ મચી ગઈ છે. DRI એ આ કેસનો ભાંડો ફોડ્યો છે.
₹125 કરોડનું સોનું
100 કિલો સોનાની કિંમત ₹125 કરોડ થાય છે.આ બન્ને શખ્સોને પ્રતિ કિલોએ ₹1થી ₹1.5 લાખ કમિશન મળતું હતું. આંતરિક સ્ટાફના સહકારથી આ બન્ને અધિકારીઓ કાયમી ધોરણે નાઈટ શિફ્ટ લેતા હતા. ઈન્ટરનેશનલ એરપોર્ટમાં અંદર ગયા વગર જ ડોમેસ્ટિક રેમ્પ સુધી પહોંચી જતા હતા. જ્યાં CISF માત્ર ID ચેક કરીને આગળની પ્રોજિસર કરતા હતા. બહાર આવીને બન્ને શખ્સો સરદાર પટેલની પ્રતિમા પાસે આવીને CCTV વગરના વિસ્તારમાં સોનાનું ડીલિંગ કરતા હતા. જ્યાં પ્લેનમાંથી આવેલું સોનું હેન્ડલરને સોંપી દેવામાં આવતું હતું.
છૂટછાટનો ફાયદો મળ્યો
BCAS દ્વારા મળેલી એરસાઈડ પરમિશને તેમને રેમ્પ વચ્ચેની હિલચાલમાં પૂરી રીતે છૂટ આપી હતી. આ સમગ્ર રેકેટ એ સમયે સામે આવ્યું જ્યારે જેદ્દાહ-અમદાવાદની ફ્લાઈટ 6E-76માં 30Fના લાઈફ જેકેટમાંથી 4 ગોલ્ડ કેપ્સુલ મળી હતી. આ સીટ પર અબ્દુલ નાસિર નામની વ્યક્તિ બેઠી હોવાનું જાણવા મળ્યું હતું. એના મોબાઈલમાંથી એક ચેટે સોનાની દાણચોરીના કેસનો ભાંડો ફોડ્યો હતો. ઈન્ડિગોએ આ બન્ને વ્યક્તિને ટર્મિનેટ કરી દીધા છે. એમના એન્ટ્રી પાસ પણ રદ્દ કરી દીધા છે.
DRI વધુ સમન્સ મોકલવાની તૈયારીમાં
આ બન્ને અધિકારીઓ જેદ્દાહ અને દુબઈથી આવતા વિમાનોના ઈન્ટરનેશનલ રેમ્પ પરથી સોનું ડાયરેક્ટ ડોમેસ્ટિક રેમ્પ પર લઈને ચાલ્યા જતા હતા. સુરક્ષા એજન્સીઓનું ફોક્સ ટર્મિનલ બાજુ વધારે હોવાથી રેમ્પ ટુ રેમ્પ મુવમેન્ટ એટલી નોટિસ કરવામાં આવતી ન હતી. આવું ચાર મહિના સુધી ચાલ્યું હતું. ડોમેસ્ટિક એરપોર્ટથી બહાર આવીને બન્ને સરદાર પટેલની મૂર્તિ પાસે જતા અને અહીંથી સોનું જે તે હેન્ડલરને અપાતું. BCAS પાસ બન્ને પાસે હોવાથી આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક એમ બન્ને રેમ્પ પર બેરોકટોક ફરી શકતા હતા. DRIને એમની વૈભવી લાઈફસ્ટાઈલથી શંકા ગઈ હતી. કારણ કે બન્ને દર મહિને નવો ફોન લાવતા હતા. રાતની કેફે મિટિંગમાં પૈસાની ચર્ચા થતી અને વહેંચણી પણ થતી હતી.