Ahmedabad Metro: અમદાવાદ શહેરમાં પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે મેટ્રોના રૂટમાં વધારો કરવામાં આવ્યો છે. સચિવાલય સુધી મેટ્રોની ક્નેક્ટિવિટી લંબાવ્યા બાદ હવે પાલડીથી ગીતા મંદિર સુધી મેટ્રોની ક્નેક્ટિવિટી માટે રૂટ નક્કી કરાયો છે. ₹2850 કરોડ રૂપિયાના ખર્ચે આ રૂટ તૈયાર કરવામાં આવશે. અમદાવાદ મેટ્રોએ આ યોજના માટે ચોક્કસ કામ શરૂ કરી દીધું છે. અમદાવાદ શહેરના મુખ્ય વિસ્તારને જોડવા માટે આ નવા કોરિડોરમાં 9.50 કિમીના રૂટને આવરી લેવાશે.

DPRની કામગીરી ચાલું
આ નવી યોજના અને રૂટ માટે ડિટેલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી ચાલું કરી દેવામાં આવી છે. આગામી ચાર વર્ષમાં આ સમગ્ર પ્રોજેક્ટ પૂરો થશે એવું હાલ માનવામાં આવી રહ્યું છે. બે જુદા-જુદા પરિવહન સેન્ટરને ક્નેક્ટ કરવા માટે મેટ્રોની ક્નેક્ટિવિટીને લંબાવવામાં આવી છે. જેના કારણે નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે. ખાસ કરીને ગીતા મંદિરથી અમદાવાદથી બહાર જતા અને અમદાવાદ આવતા લોકોને મોટી રાહત મળી રહેશે. જ્યારે પાલડીથી ગીતા મંદિર તરફ જવા માટે આ મેટ્રો મદદરૂપ થશે. મુસાફરોને અગવડતા ન પડે એ માટે ખાસ ધ્યાન આ પ્રોજેક્ટમાં રાખવામાં આવશે.

મેટ્રો સ્ટેશન બનશે
ગીતા મંદિર પાસે તૈયાર થનારૂ સ્ટેશન પાલડીના મેટ્રો સ્ટેશન જેવું જ હશે. પાલડીથી રવાના થતી મેટ્રો દાણી લિમડા થઈને ગીતા મંદિર થઈ કાંકરિયાના રૂટથી એપરેલ પાર્કને જોડશે. આ અંગેનો એક પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવ્યો છે. જરૂરી માર્ગદર્શન અને સૂચના બાદ આ પ્રોજેક્ટ પર કામ ચાલું થશે. મેટ્રોનો આ રૂટ કુલ 35.74 કિમીનો રહેશે. જોકે, સચિવાલય સુધીના મેટ્રો પર સ્ટેશન પર હજું કામ ચાલું છે. સુરક્ષાને ધ્યાને રાખીને મેટ્રોના ઑપરેશન ચાલું કરાયા છે. એકવાર સરકારની મંજૂરી મળ્યા બાદ પાલડીથી ગીતા મંદિરના રૂટ માટે મેટ્રોની મંજૂરી મળશે. હાલમાં ગીતા મંદિર પાસે કઈ જગ્યાએ મેટ્રો સ્ટેશન સ્થપાશે એ અંગે ચર્ચા વિચારણા ચાલું છે. અમદાવાદમાં છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી ચાલતી મેટ્રો રેલ સેવાનો વિસ્તાર કરાયો છે. 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો સ્ટેશનના બીજા તબક્કાની શરૂઆત કરી હતી. આ પહેલા GNLU, ગિફ્ટસિટી, રાયસણ ઈન્ફોસિટીના વિસ્તારને આવરી લેવાયા હતા.એ પછી ટ્રેનને સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર ક્નેક્ટિવિટી અંગે પ્લાન રજૂ કરાયા હતા.