અમદાવાદઃ શહેરના સરસપુર વિસ્તારમાં હદયદ્રાવક ઘટના બની છે. છેલ્લા 15વર્ષથી લાઇટ બિલ ન ભરતા ઘરમાં અંધારામાં દંત્તાણી પરિવાર રહેતો હતો જેમાં રાત્રે ઘરમાં અકસ્માતે ઊંદરે સળગી રહેલો દીવો નીચે પાડી દેતા ઘરમાં આગ લાગી હતી.જેમાં પરિવારના 3 લોકો દાઝી ગયાં હતા જે પૈકી 3 વર્ષના બાળકનું મોત થયું હતું. સરસપુરમાં પતરાવાળી ચાલીમાં 35 વર્ષીય રેખાબેન દંતાણી પરિવાર સાથે રહે છે. એમણે છેલ્લા 15 વર્ષથી તેમણે વીજ બિલ ન ભર્યુ હોવાથી ઘરમાં અજવાળા માટે દીવાનો ઉપયોગ કરતાં હતા.
ત્રણ વર્ષના બાળકનું મૃત્યું
તારીખ 1 ડિસેમ્બરે માતા રેખાબહેન, તેમનો ત્રણ વર્ષીય પુત્ર શ્રેયાંશ તથા મામા 70 વર્ષીય નરોત્તમ દંતાણી રાત્રીના સમયે ઘરમાં સૂતા હતા. ઘરમાં દીવો સળગી રહ્યો હતો ત્યાર દીવામાંથી દીવેટ ઊંદર ખેંચીને નીચે પાડી દેતા કપડા અને ગાદલામાં આગ લાગતા મિનિટોમાં સમગ્ર ઘરમાં ફ્લાઇ હતી. ત્રણેય લોકોએ બચવા માટે દરવાજો ખોલવા જતા ખુલી શક્યો નહોતો. એમણે બૂમાબૂમ કરતા આસપાસના લોકોએ આવીને લાતો મારીને દરવાજો ખોલ્યો હતો, પરંતુ ત્યાં સુધી ત્રણેય દાઝી ગયેલા બહાર દોડી આવ્યા હતા. આ અંગે બ્રિગેડને જાણ કરાતા આગને કાબુમાં લીધી હતી. બીજી તરફ દાઝી ગયેલા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ત્રણ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. રેખાબેન અને તેમના મામા ઇજાગ્રસ્ત છે. આ અંગે શહેર કોટડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.