ધર્મ ડેસ્કઃ હનુમાન ચાલીસાની સાથે સુંદરકાંડનો પાઠ કરવો દરેક વ્યક્તિ માટે શુભ માનવામાં આવે છે. સુંદરકાંડનો પાઠ કરવાથી ભાવિકોને પ્રભુ રામની સાથે હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ પાઠ કરવાથી ન માત્ર આધ્યાત્મિક લાભ પણ માનસિક અને ભાવનાત્મક લાભ પણ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાથી મોટો લાભ થાય છે. મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીની આરાધના કરવી શુભ માનવામાં આવે છે.

શનિવારને શનિદેવની પણ પૂજા
હિન્દુ માન્યતા અનુસાર શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી પણ ફાયદો થાય છે. કથા અનુસાર શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે, હનુમાનજીના ભક્તોને શનિદોષ નહી નડે. આ જ કારણ છે કે, મંગળવાની સાથે શનિવારના દિવસે પણ હનુમાનજીની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે. તેથી શનિવારના દિવસે હનુમાન ચાલીસાની સાથે સુંદરકાંડનો પાઠ કરવો આધ્યાત્મિક દ્રષ્ટિએ ગુણકારી માનવામાં આવે છે. સુંદરકાંડનો પાઠ કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાનજીની કૃપાથી જીવનમાં વિધ્નો દૂર થાય છે. હનુમાનજીને બળ, બુદ્ધિ અને વિદ્યાના દેવ પણ માનવામાં આવે છે.

સફળતા માટે હનુમાનજીને પ્રાર્થના
જીવનમાં કે કરિયરમાં કોઈપણ સફળતા માટે હનુમાનજી પર શ્રદ્ધા હોય તો સફળતા અવશ્ય મળે છે. હનુમાનજી પુરૂષાર્થની સામે યોગ્ય ફળ આપે છે. સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનમાં અટકેલા કામ પૂરા થાય છે. સાચી દિશામાં કરેલા પુરૂષાર્થ સામે એના ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત શનિવારના દિવસે હનુમાનજીને તેલ અને કાળા અદળના દાણા ચડાવવાથી પણ ફાયદો થાય છે. આ તેલમાં નાંખવામાં આવેલા કાળા અદડના દાણા એકી સંખ્યામાં હોવા જોઈએ.આમ કરવાથી સાધકના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. જીવન કે કરિયરમાં એક પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે. માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં શનિવારે હનુમાનજીના દર્શન કરનારા વર્ગમાં સૌથી વધારે યુવા વર્ગ છે. જે નિયમિત પણે શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને સુંદરકાંડના પણ પાઠ કરે છે. શનિવારના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. ઘણા લોકો શનિવારના ઉપવાસને સાંજની આરતી બાદ છોડે છે. ઉપવાસ છોડતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, આહારમાં લસણ કે ડુંગળી ન હોવા જોઈએ.