અમદાવાદઃ ઈસ્કોન બ્રિજ પર 141 કિમીની સ્પીડથી કાર હંકારીને 9 લોકોને કચડી અકસ્માતના કેસમાં આરોપી તથ્ય પટેલ તથા પિતા પ્રજ્ઞેશ પટેલ સામે વધુ એક સાક્ષીએ નિવેદન આપ્યું છે. આ સાક્ષીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તથ્યની ગાડી એટલી ઓવરસ્પીડમાં હતી કે, અકસ્માત બાદ ગાડીના બોનેટ પર અને આસપાસ મતૃદેહના ખડકલા થઈ ગયા હતા. જો હું ગાડીના પાછળના ટાયરમાં ન ફસાયો હોત તો બીજા ઘણા લોકોના મૃત્યું નીપજ્યા હોત.આ એક ચોંકાવનારો ખુલાસો હતો.
સાક્ષીએ કોર્ટમાં કરી વાત
આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામનાર સાક્ષી મિઝાન ભાડભૂજાએ ગ્રામ્ય કોર્ટમાં આ વાત કહી હતી. આ કેસમાં આગામી દિવસોમાં હજુ વધારે સાક્ષીઓના નિવેદન લેવામાં આવશે. ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કરેલા અકસ્માતમાં ઈજા પામનાર સાક્ષી મિઝાનને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ એમની જુબાની લીધી હતી. કોર્ટમાં વાત કરતા મિઝાને કહ્યું હતું કે, ઘટનાના દિવસે રાત્રે ત્યાં તથ્યના અકસ્માત પહેલા થારનો અકસ્માત થયો હતો. આ અકસ્માત જોવા માટે અમે ત્યાં ગયા હતા. 12 વાગ્યા આસપાસ એક સફેદ રંગની જેગુઆર પુરપાટ વેગથી આવી હતી. જબરદસ્ત ઓવરસ્પીડમાં આવેલી કારે ક્ષણવારમાં કેટલાય લોકોને કચડી માર્યા હતા. એ પછી ગાડી મારા પર ફરી વળી હતી. આગળના ટાયર પર કચડાયા બાદ પાછળના ટાયરમાં ફસાયો હતો.
પિતા પણ ઘટના સ્થળે આવી ગયા હતા
બચવા માટે મેં બૂમો પાડી હતી.પછી બધા લોકો અને મારા મિત્રો ભેગા થયા હતા. અકસ્માત થયો ત્યારે જેગુઆર ગાડીમાંથી ત્રણથી ચાર માણસો ઊતર્યા હતા. જ્યારે આ અકસ્માત થયો એ સમયે તથ્ય અને તેના પિતા બન્ને હાજર હતા. એના પિતા પછીથી આવી ગયા હતા. ઘટના બની એ દિવસે પોલીસે તથ્ય પટેલને પકડી લીધો હતો તો પછી પ્રજ્ઞેશ પટેલ કેવી રીતે તથ્યને લઈને હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા. આ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે. 108માં પણ ગણતરીની મિનિટમાં આવી પહોંચી હતી. વિડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રહેલા તથ્ય પટેલને સાક્ષીએ ઓળખી બતાવી હતો. માથે ટોપી અને બ્લૂ શર્ટ વાળો તથ્ય પટેલ છે એવું કહ્યું હતું. મિઝાનના બન્ને પગમાં થઈને કુલ ચાર સર્જરી કરવામાં આવી છે. એને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે.