અમદાવાદઃ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ITI રોડ પર આવેલા કમલ તળાવમાં કોર્પોરેશને ડિમોલિશન કર્યું છે. તળાવમાં 150 જેટલા ગેરકાયદેસર મકાન તોડી પડાયા છે. ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગે જમીન ખુલ્લી કરાવવા કાર્યવાહી કરી છે. આ અંગે દબાણકારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. એ પછી પણ જગ્યા ખાલી ન કરતા સ્થાનિક પોલીસને સાથે રાખી મકાન તોડાયા. મકાનો તોડી પડાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. નજર સામે આશરો જમીનદોસ્ત થતા મહિલાઓ રડી પડી હતી. બાળકો રડી પડ્યા હતા. આ દરમિયાન એક મહિલાની તબિયત લથડી હતી.

સ્થાનિકોની માગ
આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ માગ કરી હતી કે, અમે બીજે જવા માટે તૈયારી છીએ પણ વૈકલ્પિક મકાનની વ્યવસ્થા કરવામાં આવી નથી. લોકો પોતાનો જરૂરી સામાન લઈ નજીકમાં આવેલા પ્લોટમાં બેઠા છે. જ્યારે વૃદ્ધો રસ્તા પર બેસી ગયા છે. સરકારી જમીન પર દબાણ કરી મકાન ખડકી દેવામાં આવ્યા હતા. જેને હવે તોડી પાડવામાં આવ્યા છે. મંદિરની બાજુમાં બે માળનો બંગલો હતો જે તોડી પાડવામાં આવ્યો છે. આ તળાવ વિસ્તારનો સૌથી મોટો બંગલો હોવાનું મનાય છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આ બંગલો બનાવાયો હોવાનું મનાય છે. અહીં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. જેને હાલ તોડવામાં નહીં આવે, આ મંદિરને યથાવત રાખવામાં આવશે. પોલીસ ટીમે સ્થાનિકોમાં રોષ મુદ્દે મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા હતા.

બે માળનો બંગલો તોડી પડાયો
ડિમોલિશન દરમિયાન બે માળનો બંગલો તોડવામાં તંત્રને ભારે જહેમત ઊઠાવી પડી હતી. આ બંગલો તોડતા એક કલાક જેટલો સમય લાગ્યો હતો. બંગલાનું બાંધકામ પાક્કા પાયે કરવામાં આવ્યું હોવાના કારણે આવું બન્યું હતું. સ્થાનિકોએ એવી ફરિયાદ કરી હતી કે, તંત્ર તરફથી કોઈ પ્રકારની વૈકલ્પિક ફરિયાદ કરવામાં આવી નથી. લોકોને અન્ય ઘર ન મળતા ઘણા પરિવારો હેરાન પરેશાન થયા હતા. મહિલાઓ રસ્તા પર બેસીને વિલાપ કરી રહી હતી. એવા સમયમાં મહિલા પોલીસની ટીમે મામલો સંભાળી લીધો હતો.