નવી દિલ્હીઃ ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે. ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનોને કારણે સવાર અને રાત્રિના સમયે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર દિલ્હી જ નહીં, સમગ્ર ઉત્તર ભારતના મહાનગર અને પશ્ચિમના રાજ્યના મહાનગરમાં દિવસ કરતા રાત વધારે ઠંડી અનુભવાઈ રહી છે. યાળાની આ ઋતુમાં અત્યારે લોકોએ માત્ર ઠંડી જ નહીં, પણ ગાઢ ધુમ્મસનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD Update) ના તાજેતરના અહેવાલ (Weather Report) મુજબ, આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં વહેલી સવારે ભારે ધુમ્મસ છવાયેલું રહેશે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને દિલ્હીથી લઈને શ્રીનગર સુધીના મહાનગરમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. જેની અસર પશ્ચિમના રાજ્યોમાં પણ જોવા મળી શકે છે.

ધુમ્મસ અને ઠંડીની ચેતવણી
તારીખ 17 ડિસેમ્બરની સવારે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં અતિ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના અનેક વિસ્તારોમાં પણ સવારના સમયે ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળશે. દિલ્હીના હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ તા. 18 ડિસેમ્બર સુધી આવી જ સ્થિતિ યથાવત રહી શકે છે, જેનાથી વાહનચાલકોને મુશ્કેલી પડી શકે છે.ખાસ કરીને હાઈવે પર મુસાફરી કરતા વાહનોએ વધારે સાવચેત રહેવું પડશે.

હિમવર્ષા અને વરસાદની આગાહી
પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાનમાં પલટો આવશે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં તા.18 થી 21 ડિસેમ્બર દરમિયાન કેટલાક સ્થળોએ હળવો વરસાદ (Light Rain) અથવા બરફ વર્ષા (Snowfall) થવાની પ્રબળ શક્યતા છે. આ સાથે જ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા પહાડો પર પણ હિમવર્ષા થઈ શકે છે. પહાડો પર થતી આ બરફવર્ષાને કારણે ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે અને લઘુત્તમ તાપમાન (Minimum Temperature) માં અંદાજે 2°C સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, મહારાષ્ટ્ર સહિત મધ્ય, પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય ભારતમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. માત્ર ઠંડો પવન ફૂંકાશે અને ઠંડક વર્તાશે.

દિલ્હી-NCR નું હવામાન
દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 17 અને 18 ડિસેમ્બરે આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે. જોકે, વહેલી સવારે હળવા ધુમ્મસ અને પ્રદૂષણની અસર જોવા મળી શકે છે. 17 ડિસેમ્બરે દિલ્હીનું મહત્તમ તાપમાન 24 થી 26 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. જ્યારે 18 ડિસેમ્બરે ઠંડીમાં થોડો વધારો થશે અને લઘુત્તમ તાપમાન ઘટીને 8 થી 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.