નવી દિલ્હીઃ ટ્રેનમાં મુસાફરી દરમિયાન હવે જો સામાન વધારે હશે તો ચાર્જ ભરવો પડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ફ્રીમાં સામાન લઈ જવાની મહત્તમ મર્યાદા નક્કી કરાઈ છે.રેલવેના પ્રવાસીઓ માટે હાલમાં બેગેજ નિયમ અનુસાર દરેક કેટેગરીમાં સામાન માટેની મર્યાદા છે જ. જો કોઈ પ્રવાસી ફર્સ્ટ ક્લાસ કેટેગરીમાં પ્રવાસ કરે છે તો 150 કિલોગ્રામનો મહત્તમ સામાન લઈ જઈ શકે. જ્યારે ફ્રી બેગેજમાં માત્ર 70 કિલોગ્રામ સામાન જ લઈ જઈ શકાશે.

કેટેગરી આધારિત મર્યાદા
જો યાત્રી 2 ટાયર એસીમાં પ્રવાસ કરે છે તો સામાનની મહત્તમ મર્યાદા 100 કિલોગ્રામ રહેશે. જ્યારે ફ્રી બેગેજ 50 કિલોગ્રામ સુધી લઈ જઈ શકાશે.જો યાત્રી 3 ટાયરમાં પ્રવાસ કરે છે તો સામાન લઈ જવાની મહત્તમ મર્યાદા 40 કિલોગ્રામ રહેશે. યાત્રી સ્લીપર કોચમાં પ્રવાસ કરે છે તો મહત્તમ મર્યાદા 80 કિલોગ્રામ છે અને ફ્રી બેગેજ 40 કિલોગ્રામ સુધી લઈ જઈ શકે છે. રેલવે મંત્રીએ ઉમેર્યું હતું કે, જો કોઈ યાત્રી ફ્રી બેગેજની વજન મર્યાદા કરતા વધારે સામાન લઈ જવા માગે છે તો એના પર ચાર્જ લાગશે. દોઢ ગણો ચાર્જ ભરીને એ સામાન લઈ જઈ શકાશે. સામાનની સાઈઝ વધારે હશે તો યાત્રી કોચમાં એ સામાન લઈ જઈ નહીં શકાય. બ્રેક વાન અથવા પાર્સલ વાનમાં એ સામાન માટે બુકિંગ કરાવવાનું રહેશે.

સ્ટેશન પર ખાસ તપાસ અને મશીન મૂકાશે
સામાનની તપાસ અને વજન કરવા માટે સ્ટેશન પર ખાસ મશીન મૂકવામાં આવશે. જે રીતે એરપોર્ટ મૂકવામાં આવ્યા હોય છે. દરેક સ્ટેશન પર આ માટે ખાસ ઝોન તૈયાર કરાશે. મોટી સુટકેસ હશે તો એ યાત્રી કોચમાં સામેલ નહીં થાય. વ્યવસાયિક સામાન, મોટી સંખ્યામાં વસ્તુઓના પેકિંગ હવેથી યાત્રી કોચમાં નહીં લઈ જઈ શકાય. આ માટે પ્રતિબંધ મૂકાયો છે. આવા સામાન લગેજ વેનથી મોકલવાના રહેશે. રેલવે વિભાગનું એવું કહેવું છે કે, આ નિર્ણયથી રેલ યાત્રીઓને પ્રવાસ વધુ આરામદાયક અનુભવ મળી રહેશે.