Vaishnodevi Yatra-કટરાઃ નવા વર્ષે વૈષ્ણોદેવી જવાનો પ્લાન હોય તો આ અપડેટ અવશ્ય કામ આવશે. દર વર્ષે માતાજીના દર્શન કરવા માટે આવતા ભાવિકોની ભીડને ધ્યાને લઈને માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે યાત્રાના નિયમોમાં જરૂરી ફેરફાર કર્યા છે. નવી ગાઈડલાઈન્સ અનુસાર RFID યાત્રા કાર્ડ ઈસ્યૂ થયા બાદ ભાવિકો 10 કલાકની અંદર જ યાત્રા શરૂ કરી શકશે. દર્શન કર્યા બાદ 24 કલાકમાં કટરા બસ કેમ્પમાં પહોંચી જવાનું રહેશે. આ નિયમને તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. બોર્ડના અધિકારીઓનું માનવું છે કે, નવા વર્ષે ભાવિકોની સંખ્યા વધશે. જેના કારણે ટ્રેક પર ભારણ વધશે. સુરક્ષા અને ઈમરજન્સીને ધ્યાને લઈ આ પગલું લેવાયું છે.

શું છે RFID કાર્ડ?
RFID કાર્ડ ઈસ્યૂ થયા બાદ અગાઉ આ નિયમ ન હતો. ભાવિકો પોતાની સગવડતા અનુસાર યાત્રા કરી શકતા હતા. દર્શન કર્યા બાદ ઝડપથી બેઝ કેમ્પ પહોંચવાનો પણ કોઈ નિયમ ન હતો.ઘણીવાર ભાવિકો રોકાણ કરતા હતા જેના કારણે ઓવરક્રાઉડિંગ થતું. રેડિયો ફ્રિક્વન્સી આઈડી કાર્ડ (RFID) એક નાનકડું ઈલેક્ટ્રોનિંક્સ ડિવાઈસ છે. જેના મારફતે ભાવિકોનો ડેટા ટ્રાંસફર થાય છે. ભાવિકો ટ્રેક થાય છે. યાત્રા ભવનમાંથી ભાવિકોએ વૈષ્ણોદેવી યાત્રા શરૂ કરતા પહેલા આ કાર્ડ લેવાનું રહે છે. આ કાર્ડની મદદથી ભાવિકોની સંખ્યા, લાઈવ લોકેશન અને દર્શન પછી ડિપાર્ચરની જાણકારી મળે છે. નવા નિયમથી ભાવિકોને મોટો ફાયદો થવાનો છે. ટ્રેક પર જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. રોકાણ સમયે ઠંડી લાગવાથી બચી શકાશે. મહિલાઓ, બાળકો અને સિનિયર સિટિઝન માટે સૌથી સુરક્ષિત પગલું છે.

શ્રીનગર પણ ફરી શકાય
બોર્ડે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આ નિયમ પાછળનો હેતું ભાવિકોને એક પ્રકારની સુરક્ષા પૂરી પાડવાનો છે. ઓવરક્રાઉડથી બચાવવાનો છે.આ વર્ષે વૈષ્ણોદેવી જતા યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે. સરળ ક્નેક્ટિવિટીથી ફાયદો ભાવિકોને થઈ રહ્યો છે. યાત્રા શરૂ કરવાના ચારથી પાંચ દિવસ પૂર્વે વૈષ્ણોદેવી પહોંચી શકાશે. વૈષ્ણોદેવીની સાથે શ્રીનગર પણ ફરવા જેવું શહેર છે. શ્રીનગરમાં 31મી જાન્યુઆરી સુધી ચિલ્લા એ કલાં સીઝન છે. એટલે સ્નોફોલ અને બર્ફાચ્છાદિત માહોલનો આનંદ માણી શકાય છે. જોકે, આ વર્ષે શિયાળું સીઝન સામાન્ય દિવસો કરતા વહેલી શરૂ થઈ જતા ઠંડક વર્તાઈ હતી.