નવી દિલ્હીઃ નવું વર્ષ અનેક ખગોળીય ઘટનાઓ લઈને આવે છે. વર્ષ 2026 પણ આ દૃષ્ટિએ ખાસ મહત્વ ધરાવશે.આવનારા વર્ષે કુલ ચાર ગ્રહણ થશે,જેમાં બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણનો સમાવેશ થાય છે.આમાંથી માત્ર એક ચંદ્ર ગ્રહણ જ ભારતમાં દેખાશે,જેના પર સૂતક કાળ માન્ય રહેશે. ભારતીય પરંપરામાં ગ્રહણને વિશેષ મહત્વ આપવામાં આવે છે. માન્યતા મુજબ ગ્રહણ દરમિયાન નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધે છે, તેથી આ સમયગાળા દરમિયાન ભોજન બનાવવું,ભોજન કરવું અને પૂજા-પાઠ કરવાથી પરહેજ રાખવામાં આવે છે.ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન અને શુદ્ધિની પરંપરા અનુસરવામાં આવે છે. વિજ્ઞાનની દૃષ્ટિએ ગ્રહણ એક સામાન્ય ખગોળીય ઘટના છે.જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે છે ત્યારે ગ્રહણ સર્જાય છે. તેમાં કોઈ ભય નથી, પરંતુ આ વિજ્ઞાનનું એક રોચક અને અદ્ભુત દૃશ્ય છે.

17 ફેબ્રુઆરીએ પ્રથમ સૂર્ય ગ્રહણ
વર્ષ 2026નું પ્રથમ સૂર્ય ગ્રહણ 17 ફેબ્રુઆરીએ અમાવાસ્યાના દિવસે લાગશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેના પર સૂતક કાળ માન્ય રહેશે નહીં. વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ તા.12 ઑગસ્ટ 2026ના રોજ લાગશે, જે પૂર્ણ સૂર્ય ગ્રહણ રહેશે. જોકે, આ પણ ભારતમાં નજરે નહીં પડે. આ ગ્રહણ સ્પેન, રશિયા અને પોર્ટુગલના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. ધાર્મિક દૃષ્ટિએ ભારતમાં તેની કોઈ અસર માનવામાં આવતી નથી.
3 માર્ચે ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ
વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ તા. 3 માર્ચે લાગશે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હશે અને ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે, તેથી આ દિવસે સૂતક કાળ માન્ય રહેશે. ચંદ્રગ્રહણ ચંદ્રોદય સાથે સાંજે 6:26 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:46 વાગ્યે પૂર્ણ થશે. તેનો સૂતક કાળ સવારે 9:39 વાગ્યાથી ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે.

28 ઑગસ્ટે બીજું ચંદ્રગ્રહણ
વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ 28 ઑગસ્ટ 2026ના રોજ લાગશે, પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી તેના પર સૂતક કાળ લાગુ પડશે નહીં. આ ગ્રહણ ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગોમાં જોવા મળશે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આ વર્ષની સૌથી મોટી ખગોળીય ઘટના હશે. યુરોપના આઈસલેન્ડ, પોર્ટુગલ, સ્પેન અને રશિયાના કેટલાક ભાગોમાં સૂર્ય સંપૂર્ણપણે ઢંકાઈ જશે. દિવસ દરમિયાન અંધારું છવાઈ જશે.ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, સ્પેન, રશિયા અને પોર્ટુગલમાં અમુક જગ્યાઓ પરથી દેખાશે.