હરિકોટાઃ ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો)એ ફરી એક વખત ઇતિહાસ બનાવ્યો છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી દુનિયાના સૌથી મોટા કોમર્શિયલ કમ્યુનિકેશન સેટેલાઇટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ સાથે ઈસરોના નામે એક મોટી સિદ્ધિ જોડાઈ છે. અમેરિકાના ન્યૂ એડિશન કોમ્યુનિકેશન ઉપગ્રહને લઈ જનાર એલવીએમ-એમ6 રૉકેટને અવકાશ માટે રવાના કરાયું છે. ઈસરોનું આ કોમર્શિયલ મિશન સવારે 8.54 વાગ્યે લોન્ચ કરાયું હતું. ઈસરોના જણાવ્યા અનુસાર 6,100 કિલોગ્રામ વજન ધરાવતો આ કમ્યુનિકેશન સેટેલાઇટ એલવીએમ3ના પ્રક્ષેપણ (ISRO LVM3 M6 Bluebird) ઈતિહાસમાં પૃથ્વીની નીચી કક્ષા (એલઈઓ)માં સ્થાપિત થનારો અત્યાર સુધીનો સૌથી ભારે પેલોડ હશે.

બ્લૂબર્ડ બ્લોક-2’ની ખાસિયતો
મિશન ‘ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ’ (એનએસઆઈએલ) અને અમેરિકા સ્થિત એએસટી સ્પેસમોબાઇલ વચ્ચે થયેલા વ્યાવસાયિક કરાર અંતર્ગત ચલાવવામાં આવી રહ્યું છે. આ મિશન એવી આગામી ન્યૂ એડિશન કમ્યુનિકેશન સેટેલાઇટ સિસ્ટમ સ્થાપિત કરશે, જેને સ્માર્ટફોનને હાઈ-સ્પીડ સેલ્યુલર બ્રોડબેન્ડ સેવા આપવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. મિશનનો મુખ્ય ઉદ્દેશ સેટેલાઇટ મારફતે સીધી મોબાઇલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવાનો છે. આ નેટવર્ક દુનિયાના કોઈપણ ખૂણે, કોઈપણ સમયે, સૌ માટે 4જી અને 5જી વૉઇસ-વિડિયો કોલ, મેસેજ, સ્ટ્રીમિંગ અને ડેટા સેવાઓ પૂરી પાડશે. આ પહેલાં સૌથી ભારે પેલોડ એલવીએમ3-એમ5 કમ્યુનિકેશન સેટેલાઇટ-03 હતો, જેનું વજન અંદાજે 4,400 કિલોગ્રામ હતું અને જેને તા. 2 નવેમ્બરે સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો.

મિશન માટે ખાસ પૂજા અર્ચના કરાઈ હતી
લૉન્ચિંગ પહેલા મિશનની સફળતા માટે ઇસરો પ્રમુખ વી. નારાયણે તા.22 ડિસેમ્બરે તિરુમલા સ્થિત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. 43.5 મીટર ઊંચો એલવીએમ3 ત્રણ તબક્કાવાળો રૉકેટ છે, જેમાં ક્રાયોજેનિક એન્જિન લાગેલું છે. આ રૉકેટનું વિકાસ ઈસરોના ‘લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર’ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રક્ષેપણ માટે જરૂરી ભારે ‘થ્રસ્ટ’ પૂરું પાડવા માટે આ લોન્ચ વાહનમાં બે એસ-200 સોલિડ રૉકેટ બૂસ્ટર લગાવવામાં આવ્યા છે. સપ્ટેમ્બર 2024માં બ્લૂબર્ડ-1 થી બ્લૂબર્ડ-5 સુધીના પાંચ ઉપગ્રહો સેટ કરવામાં આવ્યા હતા, જે અમેરિકા અને કેટલાક અન્ય દેશોમાં સતત ઈન્ટરનેટ કવરેજ પૂરી પાડી રહ્યા છે. કંપની પોતાના નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે આવા વધુ ઉપગ્રહો પ્રક્ષેપિત કરવાની યોજના ધરાવે છે. ઈસરોએ ખરા અર્થમાં ઈતિહાસ સર્જી દીધો છે.