અમદાવાદઃ વર્ષના અંતે ઉજવણીનો સૌથી મોટો ફેસ્ટિવલ કાંકરિયા કાર્નિવલ આજથી શરૂ થઈ ગયો છે. તા.25મી ડિસેમ્બરના રોજ કાર્નિવલની ભવ્ય શરૂઆત કરાઈ છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્નિવલનો શુભારંભ થશે. સાંજે સાત વાગ્યે કાર્નિવલ પ્રારંભ થતા નાગરિકોને લોકસંસ્કૃતિથી લઈને ગીતસંગીતના અનેક રંગારંગ કાર્યક્રમ માણવા માટે મળશે. જાણીતા ગાયક કીર્તિદાન ગઢવી પોતાના સૂરીલા કંઠથી માહોલને ભક્તિમય કરશે. આ વર્ષે કાર્નિવલમાં નવા આકર્ષણ રૂપે ડ્રોન શૉ, પાયરો શૉ, પેટ ફેશન શૉ, તથા લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 25મીએ કોર્પોરેશનના 3500 કરતા વધુ સફાઈ કામદાર ભેગા થઈ મોટુ બલૂન મોઝેક તૈયાર કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે.

સાત દિવસ સુધી રંગારંગ કાર્યક્રમો
સાત દિવસ દરમિયાન ત્રણ સ્ટેજ ઉપર લોકડાયરા,લેસર શૉ,હોર્સ શો સહિતના રંગારંગ નાગરિકોને જોવા માણવા માટે મળી રહેશે. સમગ્ર કાર્યક્રમ અંગે સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, જુદી-જુદી જગ્યાઓને ત્રણ સ્ટેજ પરથી સવારના 6થી રાત્રીના 10 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો જોવા મળશે. આ માટે અલગ અલગ સાત ગેઈટ પર 34 કેમેરા લગાવાશે. જેના કારણે કાર્નિવલના પરિસરમાં પ્રવેશ લેનારાઓની ગણતરી કરાશે. ચોક્કસ રીતે ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે. તમામ મુલાકાતીઓના હેડ કાઉન્ટ કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોવાથી ભીડના કારણે કોઈ અનિચ્છનિય ઘટના ન બને એ માટે પગલાં લેવામાં આવશે.

110થી વધારે સીસીટીવી કેમ
કાંકરિયા પરિસરની અંદર પણ 110થી વધુ સીસીટીવી કેમેરા સેટઅપ કરાયા છે. આ સાથે સવારે સાઉન્ડ મેડિટેશન, યોગા મેડિટેશન, લાફ્ટર યોગા, ઝુંબા, એરોબિક્સ, પિરામિડ શૉ, મેજિક શૉ જેવા કાર્યક્રમો યોજાશે. આ સમયે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભાના ઓવરહેડ પાણીની ટાંકી, વોટર ડિસ્ટ્રિબ્યુશન, કોર્પોરેશનની શાળા સહિતના જુદા-જુદા 201 કરોડ રૂપિયાના કામનું લોકાર્પણ કરાશે. જ્યારે 324 કરોડ રૂપિયાના કામનું ખાતમૂહુર્ત કરાશે. કાંકરિયા લેકની આસપાસનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુટર્ન જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને ટ્રાફિકને લઈ કોઈ અવ્યવસ્થા ન થાય એ માટે પોલીસ તંત્ર ખાસ ધ્યાન રાખશે. પહેલા દિવસ VVIP મુવમેન્ટ હોવાથી સુરક્ષાના કારણોસર ખાસ તકેદારી રાખવામાં આવશે. કાર્નિવલના પગલે આસપાસના વિસ્તારોમાં પણ રોશની કરવામાં આવી છે. ખાસ કરીને સર્કલ પાસેના મોન્યુમેન્ટને ડેકોરેટ કરવામાં આવ્યા છે.