અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સુગમતા, જાહેર સલામતી અને નાગરિકોની અવરજવર સુવ્યવસ્થિત રહે તે હેતુસર તા. 23/12/2025ના રોજ પશ્ચિમ અને મધ્ય ઝોનમાં વધુ એક વ્યાપક નાઈટ દબાણ વિરોધી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત જાહેર માર્ગો અને ફૂટપાથ પર અવરોધરૂપ બનેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ઝોનવાઈસ કામગીરી
પશ્ચિમ ઝોનમાં સાબરમતી અને ચાંદખેડા વોર્ડ વિસ્તારમાં પાવર હાઉસથી રથી એપાર્ટમેન્ટ, સાબરમતી પોલીસ સ્ટેશનથી ટોલ નાકા, વિસત સર્કલ, તપોવન રોડ, ઓ.એન.જી.સી. સર્કલ, મોટેરા રોડ, ખોડિયાર ટી, મૈત્રી સર્કલ, ચાંદખેડા ગામ રોડ, પાયસ આંગન, ગડિયા રથ, કે.બી. રોયલ ચાર રસ્તા, સ્નેહપ્લાઝા રોડ, આઈ.ઓ.સી. રોડ, ચાંદખેડા બસ સ્ટેન્ડ, ન્યૂ સી.જી. રોડ, વિસત સર્કલ તથા દબાણ ગોડાઉન સહિતના વિસ્તારોમાં રાત્રિના 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી નાઈટ ડ્રાઈવ યોજાઈ હતી. આ દરમિયાન કુલ 4 દબાણ ગાડીઓ, 1 સ્ક્વોડ વ્હીકલ તેમજ એ.સી.એ.ઓ., ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર અને દબાણ મજૂરો સહિત કુલ 30 જણાનો સ્ટાફ તૈનાત રહ્યો હતો. કાર્યવાહીમાં જાહેર માર્ગો અને ફૂટપાથ પર ફૂડ કાઉન્ટર, ટેબલ તથા ખુરશી મૂકીને કરાયેલા દબાણો દૂર કરીને લોખંડના કાઉન્ટર/છતવાળી/બંધ કવરવાળી 10 લારીઓ અને અન્ય પરચુરણ માલ સામાન 71 મળી કુલ 81 જેટલો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

દબાણ દૂર કરવામાં આવ્યા.
મધ્ય ઝોનમાં દરિયાખાન ઘુમ્મટ રોડ, જે.પી. ચોક રોડ, કાલુપુર રેલવે સ્ટેશન રોડ તથા સિવિલ હોસ્પિટલ રોડ વિસ્તારમાં રાત્રિના 8 વાગ્યાથી વહેલી સવારના 3 વાગ્યા સુધી નાઈટ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 3 દબાણ ગાડીઓ, 1 સ્ક્વોડ વ્હીકલ અને એ.સી.એ.ઓ., ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર તથા દબાણ મજૂરો સહિત કુલ 21 જણાનો સ્ટાફ જોડાયો હતો. ડ્રાઈવ દરમ્યાન જાહેર માર્ગો અને ફૂટપાથ પરથી લોખંડના કાઉન્ટર/છતવાળી/બંધ કવરવાળી 8 લારીઓ, જાહેરાતના હોર્ડિંગ્સ તેમજ અન્ય પરચુરણ માલ સામાન 63 મળી કુલ 71 જેટલો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત જાહેર રસ્તાની બાજુ બનાવાયેલા 2 કાચા શેડ દૂર કરી દબાણ દૂર કરવામાં આવ્યા હતા.