નવી દિલ્હી: ભારતીય રેલવે દ્વારા રેલવે માળખામાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને ટિકિટના દરમાં (Railway Ticket Price) વધારો થતા દૈનિક ધોરણે પ્રવાસ કરતા રેલયાત્રી અથવા લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેનનું પ્લાનિંગ કરતા લોકોએ હવે વધુ ચાર્જ ચૂકવવા તૈયાર રહેવું પડશે. આ નવા દરો આજથી (તા.26 ડિસેમ્બર) અમલમાં આવ્યા છે. રેલવેના જણાવ્યા અનુસાર આ ફેરફારનો મુખ્ય હેતું વધતા જતા સંચાલન ખર્ચને પહોંચી વળવાનો છે. આ સાથે મુસાફરોની સુરક્ષામાં સુધારો કરવાનો છે. જોકે, આ પહેલા પણ રેલવે તંત્રએ અગાઉના બજેટમાં નૂરભાડામાં વધારો કર્યો હતો.

ક્યાં કેટલો ફેરફાર
રેલવે ભાડામાં વધારો થતા સામાન્ય લોકો પર વધુ બોજ ન પડે તે રીતે ભાડાના માળખામાં ફેરફાર કરાયા છે. સબર્બન (લોકલ) અને માસિક સિઝન ટિકિટ (MST)ના ભાડામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. ઓડિનરી ક્લાસ (215 કિ.મી. સુધી)માં ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઓડિનરી ક્લાસ (215 કિ.મી.થી વધુ)માં કિલોમીટર દીઠ 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. મેઈલ/એક્સપ્રેસ (નોન-એસી)માં કિલોમીટર દીઠ 2 પૈસાનો વધારો થયો છે. AC ક્લાસ કિલોમીટર દીઠ 2 પૈસાનો વધારો લાગુ થયો છે. જો કોઈ મુસાફર નોન-એસી કોચમાં 500 કિ.મી.ની મુસાફરી કરે છે, તો તેણે માત્ર 10 રૂપિયા વધારાના ચૂકવવા પડશે.આ નિર્ણયથી રેલવે વિભાગની તિજોરી ક્રમશઃ રીતે ભરાશે. જેનો ઉપયોગ રેલયાત્રીઓની સુરક્ષા અને વધારે સવલતને આપવા માટે થશે.

આશરે 600 કરોડ રૂપિયાની આવકનો અંદાજ
ભાડાના આ તર્કસંગત ફેરફારથી રેલવેને આ વર્ષે અંદાજે 600 કરોડ રૂપિયાની વધારાની આવક થવાની અપેક્ષા છે. રેલવેએ ભાડામાં વધારો કરવા પાછળ વધતા જતા ખર્ચના આંકડા પણ રજૂ કર્યા છે. જે મુજબ મેનપાવર (કર્મચારી) ખર્ચ વધીને ₹115,000 કરોડ રૂપિયા થયો છે. પેન્શન ખર્ચ વધીને ₹60,000 કરોડ રૂપિયા થયો છે. કુલ સંચાલન ખર્ચ વર્ષ 2024-25માં કુલ ઓપરેશનલ ખર્ચ ₹263,000કરોડ સુધી પહોંચી ગયો છે.ભાડામાં ફેરફારની સાથે રેલવેએ પોતાની કાર્યક્ષમતા અને સુરક્ષા અંગે પણ માહિતી આપી છે. વિશ્વમાં બીજું સૌથી મોટું કાર્ગો વહન કરતું રેલવે નેટવર્ક ભારતમાં બન્યું છે. તહેવારો દરમિયાન 12000 થી વધુ ટ્રેનનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતુ.

તાત્કાલિક ધોરણે નિયમ લાગુ
જે રેલવેની કાર્યક્ષમતા દર્શાવે છે. રેલવે નેટવર્કનો વિસ્તાર કરવાની સાથે સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે. રેલવેના જણાવ્યા મુજબ, તેઓ સામાજિક લક્ષ્યોને પૂર્ણ કરવા અને કાર્યક્ષમતા વધારીને ખર્ચને નિયંત્રિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. એડવાન્સ બુકિંગમાં પણ આ નિર્ણય લાગુ કરી દેવામાં આવ્યો છે. 215 કિમીથી વધારે અંતરની મુસાફરી હશે તો નવા દર પ્રમાણે જ ટિકિટ ચાર્જ લાગશે. 1000 કિમીથી વધારે કિમીનું અંતર હશે તો ₹20 એક્સ્ટ્રા લાગશે. જે લોકોએ 26 ડિસેમ્બર પહેલા કોઈ બુકિંગ કરાવ્યું છે તો એમને કોઈ પ્રકારે આ નિયમ લાગું નહીં પડે. ખાસ વાત એ છે કે, ડેઈલી પાસ અને ઓછા અંતર માટે કોઈ ચાર્જ વધારવામાં આવ્યા નથી. રેલવે પ્રોજેક્ટના ઈન્ફ્રા. માટે એક ફંડ જરૂરી છે. આ કારણે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.