અમદાવાદઃ ગુજરાત ATS એ રાજસ્થાનમાં મોટું ઓપરેશન પાર (Gujarat ATS) પાડી સાયકોટ્રોપિક પદાર્થ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપી લીધી છે. રાજસ્થાનના ભીવાડી વિસ્તારમાં રાજસ્થાન SOG સાથે સંયુક્ત કાર્યવાહી કરી આ સમગ્ર ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં નશીલા પદાર્થોના ઉત્પાદનનો પણ પર્દાફાશ થયો હતો. આ કાર્યવાહી દરમિયાન ફેક્ટરીમાં રહેલા સાધનો અને સામગ્રી જપ્ત કરી કરવામાં આવી છે. આ કાયદેસર પ્રક્રિયા બાદ ફેક્ટરી પર જ સમગ્ર જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ઘટનાને લઈને આગળની તપાસ ચાલું કરવામાં આવી છે અને આ કેસમાં સંડોવાયેલા તત્વોની શોધખોળ કરવામાં આવી રહી છે. ATS એ આ કેસમાં અંશુલ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય અને ક્રિષ્નકુમાર યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દરોડા પાડવામાં આવ્યા
નશાની સામગ્રી લઈ ગુજરાત ATS ફરી એકવાર એક્શનમાં આવી છે. રાજસ્થાનના ભીવાડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ATS દ્વારા મોટી કાર્યવાહી કરી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા 22 કિલો સાયકોટ્રોપિક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. અલ્પ્રાઝોલમના પ્રીકર્સર કેમિકલ સહિતનો જથ્થો પણ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં ATS એ ઉત્તર પ્રદેશના 3 આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત ATS દ્વારા રાજસ્થાન SOGને સાથે રાખીને ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડા પાડવામા આવ્યા હતાં. રાજસ્થાનની જયપુર પોલીસને સાથે રાખીને ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ફેક્ટરીમાં તપાસ કરતા 22 કિલો જથ્થો પકડાયો હતો.

તપાસના તાર રાજસ્થાન સુધી નીકળ્યા
ATSના પીઆઈ પી.બી. દેસાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસના તાર રાજસ્થાન સુધી નીકળ્યા હતા. ATSના અધિક્ષકશ્રી હર્ષ ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ સમગ્ર ટીમ બનાવી આર.આર. ગરચર, ડી.વી. રાઠોડ, બી.બી. પરમાર તથા ટીમ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવી હતી. ટેકનિકલ અને હ્યુમન રીસોર્સના આધારે ચોક્કસ જગ્યા મળ્યા બાદ દરોડાની કામગીરી કરવામાં આવી હતી.એપીએલ ફાર્મા કંપનીમાં દરોડા પાડતા અલ્પ્રાઝોલમના પ્રીકર્સર કેમિકલનો સ્ટોક મળી આવ્યો હતો. આ કંપની અંશુલની છે, જ્યાં ગેરકાયદેસર માદક પદાર્થ બનાવવામાં આવ્યો હતો. જ્યારે અખિલેશ અને ક્રિષ્નકુમાર અલ્પ્રાઝોલમ બનાવવાની પ્રક્રિયા જાણતા હતા. તેથી મોટાપાયે ઉત્પાદન થતું હતું. જ્યારે યાદવ વેચાણનું કામ કરતો હતો.