મુંબઈઃ છેલ્લા પાંચ દિવસથી સોના-ચાંદીના ભાવની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. સોમવારે પણ સવારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. કિંમતોમાં મોટો ઉછાળો આવતા નવી સપાટી સામે આવી હતી. MCX પર ભાવ અઢી લાખને પાર થઈ ગયો હતો. સોમવારે બપોર પછીના સમયમાં અચાનક ચાંદીની કિંમતમાં કડાકો બોલી ગયો હતો. ₹21,500નો ઘટાડો થતા એક ઝાટકે ચાંદીના ભાવમાં કકડભૂસ થઈ ગયું હતું. ચાંદી સોમવારે 21000 રૂપિયાથી સસ્તી થઈ ગઈ હતી.

આવું અચાનક નથી બન્યું
સોમવારે સોના-ચાંદીની માર્કેટમાં રીતસરનો એક ડ્રામા જોવા મળ્યો હતો. ચાંદીના ભાવે શરૂઆતમાં એક ઈતિહાસ બનાવી દીધો હતો. એ પછી એક ઝાટકે ₹21,500નો ઘટાડો થતાં રોકાણકારો કંઈ સમજે એ પહેલા જ કડાકો બોલી ગયો હતો.એવું તે શું થયું કે, ચાંદીના ભાવમાં એકાએક ઘટાડો થઈ ગયો. સોમવાર સવારે ₹2,54,174 પ્રતિ કિલોનો રેકોર્ડ તોડ્યો હતો. એ સમયે એવું લાગી રહ્યું હતું કે,વર્ષના અંતે ચાંદી રેકોર્ડ કરી જશે. પ્રોફિટ બુકિંગની એક પ્રકારની લહેર ચાલી રહી હતી એ સમયે ભાવ ગગડ્યા હતા. એક ઝાટકે ₹2,32,663 થઈ જતા ચાંદીનું માર્કેટ કકડભૂસ થઈ ગયું હતું. જાણકારોનું માનવામાં આવે તો, આવું અચાનક બન્યું નથી. આ અપેક્ષિત હતું.ચાંદીના ભાવમાં તેજી બાદ ભાવ ગગડવા એ સામાન્ય પ્રક્રિયા છે. કેટલાક ટ્રેડર્સે તો ચાંદી વેચવાનું ચાલું કરી દીધું હતું.સૌથી પહેલા ચાંદીએ આંતરરાષ્ટ્રી માર્કેટમાં પ્રેશર ઊભું કર્યું હતું.

પહેલા તેજી પછી ભાવમાં ઘટાડો
વૈશ્વિક માર્કેટમાં સિલ્વરની કિંમત 80 ડૉલર સુધી પહોંચી હતી. એ પછી ભાવ ગગડતા તે 75 ડૉલર સુધી પહોંચી હતી.જેની સીધી અસર ડોમેસ્ટિક પ્રાઈસ પર પડી હતી. ચાંદીએ એક અઠવાડિયામાં દમદાર રીર્ટન આપ્યું હતું. ઔદ્યોગિક માંગમાં વધારો થતા ચાંદીની કિંમત વધી હતી. જ્યારે ઉછાળો આવતા ચાંદીમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ચાંદીની કિંમત ઘટતા રોકાણકારોને એક ઝાટકો લાગ્યો હતો. સુરક્ષિત રોકાણ મનાતા સોના-ચાંદીમાં હવે ઘટાડો થતા ઘણા રોકાણકારો રોકાણને લઈને વિચાર કરી રહ્યા છે. બીજી તરફ જે પરિવારોમાં લગ્ન છે એ પરિવારોમાં થોડો ખુશીનો માહોલ છે.