અમદાવાદઃ ડિસેમ્બરમાં ધ્રુજાવી દે એવી ઠંડી પડે છે પણ આ વર્ષે લા નીનાની અસરને કારણે ડિસેમ્બર મહિનો પૂરો થવાને એક દિવસ બાકી છે છતાં ઠંડીની ખાસ અસર અનુભવાતી નથી. હવે ધીમે ધીમે લા નીનોની અસર ઘટી રહી છે. તેથી ઠંડા પવન ફૂંકાશે જેથી જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ધ્રુજાવી દે એવી ઠંડી અનુભવાશે. તા.6થી 13 જાન્યુઆરી દરમિયાન તાપમાન નીચે ઊતરશે. પારો 10 ડિગ્રી સુધી ગગડતા ઠંડી અનુભવાશે. અલ નીનોની અસરને કારણે (Gujarat Weather) અત્યાર સુધી પશ્ચિમ દિશામાંથી ભેજવાળા પવન ફૂંકાતા હતા. હિમવર્ષાના કારણે આવતા અતિ ઠંડા પવન રોકાઈ ગયા હોવાથી ગુજરાતમાં એટલી ઠંડી અસર કરતી ન હતી.

સામાન્ય ઠંડી પડી
અમદાવાદમાં ડિસેમ્બર મહિનાના શરૂઆતના દિવસોને બાદ કરતા ખાસ કોઈ ઠંડી પડી નથી. તાપમાન પણ સામાન્ય રહ્યું હતું.લા નીનોની અસરથી પેસિફિક મહાસાગરમાં પાણી સામાન્ય કરતા વધારે ઠંડુ થઈ જાય છે. તેથી ભારત બાજુ ફૂંકાતા પવનોનું જોર વધે છે. જેને ભારતમાં પૂર અને ભારે વરસાદ માટે અનુકુળ સ્થિતિ માનવામાં આવે છે અને કેટલાક વિસ્તારમાં ઠંડી વધે છે. 1 જાન્યુઆરીથી વાતાવરણમાં એકાએક પલટો વર્તાશે. ઠંડીનો રાઉન્ડ શરૂ થતાં ધ્રુજાવી દે એવી ઠંડી પડશે. વાતાવરણની હાઈ પ્રેશર સિસ્ટમના લીધે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશાથી સુકા અને ઠંડા પવન ગુજરાતમાં ફૂંકાશે. આ કારણે ગુજરાતના શહેરના તાપમાન ગગડશે. ઠંડીનું જોર વધશે. દિવસ કરતા રાત્રે ઠંડી વધશે. રાત્રીનું તાપમાન 10 ડિગ્રી સુધી નીચે ઊતરશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે 31 મી ડિસેમ્બરે વાતાવરણ ધૂંધળું બનવાની પૂરી શક્યતાઓ છે.

શિયાળું સીઝન લાંબી ચાલશે
ઉત્તર, પશ્ચિમ ભારત તથા ભારતના કેટલાક રાજ્યોમાં આ વર્ષે શિયાળું સીઝન લાંબા સમય સુધી ચાલશે. ફેબ્રુઆરીના અંત સુધી ઠંડી અનુભવાશે. ભારતીય હવામાન વિભાગે આ પહેલા પણ જણાવ્યું હતું કે, કૉલ્ડવેવના દિવસો અગાઉની સીઝન કરતા વધારે રહેશે. ગુજરાત સહિત ઉત્તર ભારતના મેદાની શહેરોમાં તાપમાન 10 ડિગ્રી સુધી ગગડવાની પૂરી શક્યતાઓ છે. પર્વતીય વિસ્તારોમાં 0 થી પણ નીચે તાપમાન ઊતરશે. નિષ્ણાંતોના મતે આ વર્ષે ઠંડીની સીઝન લાંબી ચાલશે. માર્ચ મહિનો આવતા તાપ એટલો વર્તાશે નહીં. વધુ પડતા પવનને કારણે તાપમાન નીચું રહેશે. વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળશે. ડિસેમ્બર મહિનામાં ખાસ કોઈ ધુમ્મસભર્યું વાતાવરણ ગુજરાતમાં જોવા મળ્યું ન હતું.