નવી દિલ્હીઃ નવા વર્ષની શરૂઆતમાં જ ધૂમ્રપાન કરનારાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે સિગારેટ પર નવી એક્સાઇઝ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. આગામી 1 ફેબ્રુઆરી 2026થી આ નવો અમલી બનશે, જેના કારણે બજારમાં સિગારેટ મોંઘી થશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વધારો સિગારેટની લંબાઈના આધારે નક્કી કરવામાં આવ્યો છે. જેમાં દર એક હજાર નંગ પર ₹2050 થી લઈને ₹8500 સુધીની વધારાની એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવશે. મહત્વની વાત એ છે કે, અત્યારે લાગુ પડતો 40 ટકા GST તો યથાવત રહેશે જ, પરંતુ આ નવી ડ્યુટી તેના ઉપર (Over and Above) વધારાના ટેક્સ તરીકે લેવામાં આવશે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ તમાકુના સેવનને ઘટાડવાનો અને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો છે.
સિગારેટ મોંઘી થશે
ભારતમાં સિગારેટ પર લાગતા ટેક્સના માળખામાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યારે ભારતભરમાં સિગારેટ પર આશરે 53 ટકા જેટલો કર લેવામાં આવે છે. જોકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO ના મતે, તમાકુના સેવનને રોકવા માટે તેના પર ઓછામાં ઓછો 75 ટકા ટેક્સ હોવો અનિવાર્ય છે. ભારતનો વર્તમાન ટેક્સ રેટ આ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ કરતા ઘણો નીચો છે. આ તફાવતને ઘટાડવા માટે ભારત સરકારે હવે નવી એક્સાઇઝ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. સરકારનો ઉદ્દેશ્ય માત્ર આવક વધારવાનો જ નહીં, પરંતુ તમાકુના કારણે સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો અને રોગોના પ્રમાણમાં ઘટાડો લાવવાનો પણ છે.
એક્સાઇઝ ડ્યુટી એટલે શું?
એક્સાઇઝ ડ્યુટી એટલે શું? સરળ શબ્દોમાં સમજીએ તો, એક્સાઇઝ ડ્યુટી એ દેશની અંદર જ બનતી વસ્તુઓના ઉત્પાદન પર લાગતો કર છે. સામાન્ય રીતે આ કર એવી વસ્તુઓ પર વધુ લાદવામાં આવે છે જે સ્વાસ્થ્ય કે પર્યાવરણ માટે નુકસાનકારક હોય, જેમ કે આલ્કોહોલ, પેટ્રોલિયમ પેદાશો અને તમાકુ. હવે સિગારેટ પરની આ નવી ડ્યુટી દ્વારા સરકાર WHO ના 75 ટકા ટેક્સના લક્ષ્યાંક તરફ વધુ એક ડગલું આગળ વધી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા સિગારેટ પર લેવામાં આવેલા તાજેતરના નિર્ણય પાછળ એક મહત્વનું કાયદાકીય માળખું રહેલું છે. વાસ્તવમાં, ડિસેમ્બર ૨૦૨૪માં સરકારે ‘સેન્ટ્રલ એક્સાઇઝ સુધારા બિલ ૨૦૨૫’ને મંજૂરી આપી હતી. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુ ઉત્પાદનો પરની ટેક્સ વ્યવસ્થાને વધુ મજબૂત અને સ્પષ્ટ બનાવવાનો હતો. આ નવા કાયદા હેઠળ, સિગારેટ અને અન્ય તમાકુ પેદાશો પર અત્યાર સુધી જે અસ્થાયી (Temporary) ટેક્સ વસૂલવામાં આવતો હતો, તેને હવે સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવ્યો છે. તેના સ્થાને હવે એક સ્થાયી (Permanent) ટેક્સ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.