અમદાવાદમાં બેફામ બનેલા સ્પોર્ટ્સ બાઈક ચાલકો દ્વારા અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાનો વધુ એક દાખલો સી જી રોડ વિસ્તારમાં સામે આવ્યો છે. બાઈક ચાલકે રસ્તો ક્રોસ કરતા યુવકને અડફેટે લીધો હતો. જેમાં રાહદારી યુવકનું મોત નિપજ્યું હતું. બાઈક ચાલકને ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુફિયાન મુસ્તુફા સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના સી જી રોડ પર ગત રાત્રે સુફિયાન મુસ્તફા પુરપાટ ઝડપે સ્પોર્ટ્સ બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન બે મિત્રો ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતાં. આ બાઈક ચાલકે પ્રકાશને અડફેટે લીધો હતો. જેમાં બંને જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રકાશનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચાલકને પણ ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સુફિયાન મુસ્તુફા સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બાઈક ચાલક રોડ પર સ્ટંટ કરી રહ્યો
સી જી રોડ પર અકસ્માત સમયે એકઠા થયેલા લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, બાઈક ચાલક રોડ પર સ્ટંટ કરી રહ્યો હતો. બેફામ સ્પીડે બાઈક હંકારતા આ અકસ્માત સર્જાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં બેફામ બનેલા નબીરાઓના કારણે અકસ્માતો વધી રહ્યાં છે. લોકો આવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી રહ્યાં છે.