ગઈકાલે અમદાવાદની મિરઝાપુર કોર્ટમાં બોમ્બ મુકાયાની ધમકી મળી હતી. ત્યારે હવે સુરતની જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતાની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ છે. કોર્ટમાં બોમ્બ મુકાયાનો નનામો કોલ આવ્યો હતો. આ કોલની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું. આજે દિવસ દરમિયાન વકીલો અને અરજદારો માટે કોર્ટમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે કાયદાકીય કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે.
સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો
બોમ્બની ધમકી મળતાં જ કોર્ટ પરિસરમાં સુરત પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ સહિત ડોગ સ્ક્વોર્ડ પણ તપાસ માટે પહોંચી ગઈ હતી. કોર્ટના તમામ ખૂણે ખૂણે પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી. પોલીસે આ ધમકી પાછળ કોઈ અસામાજિક તત્વનો હાથ છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. કોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારની ધમકી મળતાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. હાલ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.