વાયોર પોલીસે ડીટેઈન કરેલી સ્કોર્પિયો કારને છોડાવવા માટે ભુજ આરટીઓ કચેરીમાં દયાપર પોલીસનો નકલી મેમો રજૂ કરી નજીવો દંડ ભરીને ગાડી છોડાવવા પ્રયાસ કરાયો હોવાનો મામલો બહાર આવ્યો છે.વાયોર પોલીસે બનાવ અંગે બે શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નિયમભંગ બદલ ભરવાપાત્ર દંડની રકમ ભરપાઈ કરવાની
મળતી વિગતો મુજબ ૨૬-૦૯-૨૦૨૫ના રોજ વાયોર પોલીસે ચેકિંગ દરમિયાન કાળા કાચવાળી સ્કોર્પિયો કારને અટકાવી હતી. કારને અમીન રાવલ જત નામનો ૧૫ વર્ષનો કિશોર હંકારતો હતો.તેની પાસે ડ્રાઈવીંગ લાયસન્સ કે વાહનને લગતી આરસી બૂક સહિતના કોઈ કાગળિયાં નહોતા.કારની પાછળ નંબર પ્લેટ પણ નહોતી. જેથી પોલીસે મોટર વેહિકલ એક્ટની કલમ ૨૦૭ હેઠળ કારને જપ્ત કરી મેમો આપ્યો હતો.આ મેમો આરટીઓ કચેરીમાં રજૂ કરી, નિયમભંગ બદલ ભરવાપાત્ર દંડની રકમ ભરપાઈ કરવાની હતી.ગાડી ડીટેઈન કર્યાના ત્રીજા દિવસે વાયોર પોલીસ મથકે તે જ કિશોર આરટીઓમાં ૧૫૦૦ રૂપિયાનો દંડ ભર્યાની રસીદ રજૂ કરીને ગાડી છોડાવવા આવ્યો હતો.
આરોપી પાસે દયાપર પોલીસનો સ્ટેમ્પ ક્યાંથી આવ્યો
રસીદને જોઈને ઈન્ચાર્જ પીઆઈ કે.વી. ડાંગરને શંકા ગયેલી કારણ કે, જે નિયમોના ભંગ બદલ કાર ડીટેઈન કરાયેલી તે નિયમોના ભંગ બદલ ભરવાપાત્ર દંડની રકમ પાંચ સાત હજારથી વધુ થતી હતી.જેથી તેમણે રસીદ જમા લઈને, સ્ટેશન ડાયરીમાં નોંધ પાડીને કારને છોડી નહોતી.પોલીસ તપાસમાં ભુજ RTO કચેરીમાં દયાપર પોલીસનો બનાવટી મેમો રજૂ થયેલો આરટીઓમાં વાયોર પોલીસના ડીટેઈન મેમોના બદલે દયાપર પોલીસ સ્ટેશનનો નકલી મેમો રજૂ કરાયો હતો.દંડની રકમ ઓછી ભરવા માટે રાવલ જતે અમીન જત સાથે ષડયંત્ર રચીને આરટીઓમાં દયાપર પોલીસ મથકનો નકલી સહી સાથેનો બનાવટી મેમો આરટીઓમાં રજૂ કર્યો હતો.બેઉ સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.સાથે જ આરોપી પાસે દયાપર પોલીસનો સ્ટેમ્પ ક્યાંથી આવ્યો તેદિશામાં પોલીસ તપાસ કરી રહી છે.