સમગ્ર રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓ અને પેડલરો સહિત નાર્કોટિક્સના નેટવર્ક સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારે એન્ટી નાર્કોટિક્સ ઓપરેશનલ યુનિટની રચના કરી છે. આ યુનિટને હવે મજબૂત કરવા માટે રાજ્યભરમાંથી 44 પોલીસ હેડ કોન્સ્ટેબલની ત્રણ વર્ષ માટે આ યુનિટમાં નિમણૂક કરવામાં આવી છે. જેઓ સીધા જ સીઆઈડી ક્રાઈમ હેઠળ કામ કરશે. આ કર્મચારીઓ નાર્કોટિક્સના ગુના સામે વધુ એક્શનપૂર્વક કામગીરી કરશે. રાજ્ય સરકાર દ્વારા આ સેલ શરૂ તો કરી દીધો પણ ખુદ પોલીસ કર્મી જ નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. નશાના વેપારમાં જ પોલીસ કર્મીની સંડોવણી બહાર આવી છે.
પોલીસ કોન્સ્ટેબલની એસઓજીએ ધરપકડ કરી
અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચે થોડા સમય પહેલા એક કિલો ચરસના જથ્થા સાથે એક અજય બઘેલ નામના આરોપીને ઝડપ્યો હતો. આ કેસની તપાસમાં ચરસનો જથ્થો અમદાવાદ શહેરમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા શૈલેષ કોન્સ્ટેબલ આપ્યો હોવાનું ખૂલ્યું હતું. આ પોલીસ કોન્સ્ટેબલની એસઓજીએ ધરપકડ કરી છે. અમદાવાદના નરોડાના મઠીયા ગામ પાસેથી અજય બઘેલ ચરસના જથ્થા સાથે પકડાયો હતો.
શૈલેષ આ જથ્થો ક્યાંથી લાવ્યો તેનો ખુલાસો થઈ શકે છે
પોલીસ રિમાન્ડ દરમિયાન તેણે કહ્યું હતું કે, આ ચરસનો જથ્થો ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શૈલેષ ચૌહાણે આપ્યો હતો. પોલીસે આ કેસમાં કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણની પણ ધરપકડ કરી છે. શૈલેષે પોલીસને આ જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો હોવાનું જણાવ્યું છે. પોલીસની વધુ તપાસમાં શૈલેષ આ જથ્થો ક્યાંથી લાવ્યો તેનો ખુલાસો થઈ શકે છે. તેણે અગાઉ પણ નશાનો વેપાર કર્યો છે કે કેમ તેનો પણ ખુલાસો થઈ શકે છે.