જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ભડકો થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. મોટા ઉલટફેરની ચર્ચાઓ વચ્ચે માળીયા હાટીના તાલુકાના હાટી સમાજના અગ્રણી અને ભાજપના નેતા બચુભાઈ સિસોદિયાએ કોંગ્રેસના પૂર્વ નેતા અને ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા સાથે મુલાકાત કરતાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સોશિયલ મીડિયામાં આ મુલાકાતના ફોટો વાયરલ થતાં રાજકીય ચર્ચાઓ ગરમ થઈ ગઈ છે. રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે બચુભાઈએ ભાજપમાં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
ભાજપના જિલ્લા પ્રમુખને એક પત્ર લખ્યો
બચુભાઈએ સિસોદિયાએ ભાજપના જિલ્લા પ્રમુખને એક પત્ર લખ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પત્રમાં તેમણે સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવતો નથી અને સતત ખેડૂતોની અવગણના કરીને તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. એવું પણ તેમણે પત્રમાં જણાવ્યું છે. પક્ષમાં હવે પહેલા જેવું નથી અને ખેડૂત વિરોધી નીતિઓ વધી રહી હોવાથી તેઓ ભારે હૈયે પક્ષમાંથી રાજીનામું આપી રહ્યાં છે. બચુભાઈની સાથે તેમના આખા પરિવારે ભાજપ છોડી ગયો છે.
આ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતી
બચુભાઈ કોર્પોરેટરની બેટર્મ અને ભાજપના કારોબારી સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. જ્યારે તેમના પત્ની પણ તાલુકા પંચાયતના સભ્ય રહી ચુક્યા છે. તેમનો પુત્ર પણ માળિયા હાટીના તાલુકા ભાજપમાં ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવતો હતો. બચુભાઈએ ભાજપ સાથે છેડો ફાડતાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને જીતવું ભારે પડી શકે છે એવુ રાજકીય સુત્રો જણાવી રહ્યાં છે. બચુભાઈએ જવાહર ચાવડા સાથે મુલાકાત કર્યા બાદ મીડિયાને કહ્યું હતું કે, આ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતી.