ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીથી લોકો ધૃજી રહ્યાં છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. આજે અમરેલી અને નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસમાં ઠંડીમાં વધારો થાય તેવી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 12 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા નહીં મળે. ત્યાર બાદ ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે.
કચ્છમાં તાપમાનનો પારો નીચો જવાની શક્યતાઓ
ગુજરાત અને કચ્છમાં તાપમાનનો પારો નીચો જવાની શક્યતાઓ છે. નલિયા જેવા વિસ્તારમાં તાપમાન 9 ડિગ્રીથી નીચે જવાની પણ શક્યતાઓ છે. આગામી દિવસોમાં રાજ્યમાં 15થી 20 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના શરૂ થતાં જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. રાજ્યમાં અમરેલી અને નલિયા 9 ડિગ્રી સાથે ઠંડુંગાર શહેર બન્યું છે, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. અમદાવાદમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, રાજકોટમાં 10.1 ડિગ્રી, કંડલામાં 10.7 ડિગ્રી, કેશોદમાં 11.8 ડિગ્રી, ભુજમાં 11.8 ડિગ્રી, ડીસામાં 12.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી, મહુવામાં 13.9 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 14.7 ડિગ્રી, મુન્દ્રામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.