ગુજરાતમાં આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર ઉજવાશે. લોકો વહેલી સવારથી જ ધાબા પર જઈને પતંગ ઉડાવશે. ત્યારે પતંગની દોરીને કારણે વાહન ચાલકો અને પશુ પંખીઓને ઈજાઓ થતી હોવાના અનેક દાખલા સામે આવતા હોય છે. પશુઓ અને પક્ષીઓ માટે ઠેર ઠેર કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે વાહન અકસ્માતોને રોકવા સુરત શહેરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં પતંગની દોરીને કારણે કોઈ અકસ્માત ના સર્જાય તે માટે આવતીકાલે BRTSની તમામ બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકો બસની ટક્કરે આવતા ગંભીર ઈજાઓ પામે છે
સુરત શહેરમાં આવતીકાલે અકસ્માત નિવારવા તમામ BRTS બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગર પાલિકા તંત્રના જણાવ્યા પ્રમાણે શહેરમાં ઘણા લોકો એવા છે જે BRTSના કોરિડોરમાં પણ પતંગ ઉડાવતા હોય છે. આ ઉપરાંત પતંગ લૂંટવાના ચક્કરમાં નાના બાળકો સહિતના લોકો બસની ટક્કરે આવતા ગંભીર ઈજાઓ પામે છે. જેથી જાનહાનીને રોકવા માટે BRTS કોરિડોરને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15મી જાન્યુઆરીએ પણ આ કોરિડોરમાં આંશિક અસર દેખાશે. 15મીએ BRTS બસ સેવામાં અંદાજે 70 ટકા જેટલો કાપ મૂકાશે અને માત્ર 30 ટકા બસો જ નિર્ધારિત રૂટ પર દોડશે.મહાનગરપાલિકાએ શહેરીજનોને અપીલ કરી છે કે તેઓ તહેવાર દરમિયાન જાહેર પરિવહનનો ઉપયોગ કરવાને બદલે વૈકલ્પિક વ્યવસ્થા રાખે અને સુરક્ષિત રીતે પર્વની ઉજવણી કરે.