ગુજરાતમાં ફરી એક વાર પોલિટીકલ ડ્રામા સામે આવ્યો છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરીવાર જૂતૂ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂનાગઢના ગડુમાં આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતૂ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગોપાલ ઈટાલિયા સભામાં ભાષણ આપવા માટે ઉભા થાય ત્યારે એક શખ્સે જૂતૂ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યકર્તાઓએ આ શખ્સને ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતાઓએ જૂતૂ ફેંકનારને પકડીને પોલીસને સોંપી દીધો હતો. આ સમગ્ર મામલે ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, આ રાજકીય ઈશારે જૂતૂ ફેંકવામાં આવ્યું છે.
આ શખ્સ કોણ છે તેની હજી સુધી ઓળખ થઈ નથી
પોલીસે જૂતૂ ફેંકનારને પકડીને પુછપરછ શરૂ કરી દીધી છે. આ શખ્સ કોણ છે તેની હજી સુધી ઓળખ થઈ નથી. આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. આ પહેલા માળીયા હાટીનામાં પણ ગોપાલ ઈટાલિયા પર એક શખ્સે જૂતુ ફેંક્યું હતું. આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી પણ રાજકીય માહોલ ચોક્કસ ગરમ થયો છે. 2017માં ગોપાલ ઈટાલિયાએ તત્કાલિન ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર વિધાનસભા પરિસરમાં જૂતૂ ફેંક્યું હતું. ત્યાર બાદ જામનગરમાં કોઈ શખ્સે ગોપાલ ઈટાલિયા પર જૂતૂ ફેંકીને પ્રદિપસિંહનો બદલો લીધો એવો ખુલાસો કર્યો હતો.