ગુજરાતમાં કચ્છમાં આવેલા ભૂકંપની વરસી પહેલા જ ફરીવાર યાદગીરી તાજી થાય તેવી ધૃજારી થઈ હતી. જિલ્લામાં ખાવડા નજીક મંગળવારે મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ધરતમાં કંપન થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગત રાત્રે 1.22 મિનિટે ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી આશરે 55 કિ.મી દૂર નોંધાયું હોવાનું સિસ્મોલોજી વિભાગ દ્વારા જણાવાયું હતું.
ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે
કચ્છના ખાવડામાં ભૂકંપના આ આંચકાથી કોઈ જાનહાની કે જાનમાલને નુકસાન થયું નથી. પરંતુ કેટલાક વિસ્તારોમાં લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતાં. ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપની અસર વધારે નોંધાઈ હોવાનું લોકો દ્વારા જણાવાયું હતું. આ ભૂકંપ સંવેદનશીલ ઝોનમાં આવ્યો હોવાથી તંત્ર દ્વારા સ્થિતિ પર સીધી નજર રાખવામાં આવી રહી છે. લોકોને અફવાથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે. ગઈ કાલે રાપરમાં સવારે પોણા છ વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 2.5ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે.