વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક રમૂજ તરીકે પ્રસ્તૂત કરીશું.લલકાર ન્યૂઝના પ્લેટફોર્મ પર રજૂ થતી ખાસ પ્રસ્તુતિ ખાખીની ખટપટ કોઈ કર્મચારી કે અધિકારીને નીચું દેખાડવા નહીં પરંતુ હળવી શૈલીમાં ખબરદાર કરવા માટે છે. તો વાંચો લલકાર ન્યઝની વેબસાઈટ પર અને જુઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર અઠવાડિયે રજૂ થતી ખાખીની ખટપટ.
પોલીસ કર્મચારીની નોકરી K કંપનીમાં અને વહિવટ વિપુલ પ્રમાણમાં
અમદાવાદ શહેરના પશ્ચિમ તેમજ પૂર્વ વિસ્તારમાં એક વહિવટદારે વિપુલ પ્રમાણમાં હાહાકાર મચાવી નાંખ્યો છે. પશ્ચિમની જો વાત કરીએ તો પાંચ પોલીસ સ્ટેશનો અને પૂર્વના બે તેમજ એક ટ્રાફિક પોલીસ સ્ટેશનનો વહિવટ વિપુલ પ્રમાણમાં પોલીસ કર્મચારી સંભાળી રહ્યો હોવાની પોલીસ બેડામાં ચર્ચાઓ ચગી છે. નોંધનીય છે કે, આ પોલીસ કર્મચારી વિપુલપ્રમાણમાં વહિવટ કરતો હોવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ થતાં તેની સજાના ભાગ રૂપે K કંપનીમાં બદલી કરી નાંખવામાં આવી છે. જો કે, તેમ છતાં આ પોલીસ કર્મચારીને કોઈ જ ફેર પડતો નથી. હાલ પણ તેનો વહિવટ જોરશોરથી ચાલી રહ્યો છે. આ વહિવટદારના આકાની તો જિલ્લા બહાર સજાના ભાગરૂપે બદલી થઈ છે પરંતુ આકાના મુળિયા મજબૂત હોવાથી અને મીઠી વાણી હોવાથી તેનો ચેલો વિપુલ પ્રમાણમાં પૈસાની ઉઘરાણી કરી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના એસજી હાઈવે પર આવેલા મોટા ભાગના પોલીસ સ્ટેશનનો વહિવટ તો વિપુલ પ્રમાણમાં જ પોલીસ કર્મચારી કરી રહ્યો છે અને તેણે સમાજના ઉચ્ચ પોલીસ અધિકારીઓના તેના માથે ચાર હાથ હોવાથી તેને કોઈ હલાવી શકતું નથી.શું ઉચ્ચ અધિકારીઓને આ વાતની જાણ નહીં હોય?
અમદાવાદના એક PIના ગુલાબની સુગંધ ચર્ચામાં
અમદાવાદ શહેરના એક પોલીસ ઈન્સપેક્ટર ગુલાબના દર્શન ના કરે ત્યાં સુધી તેમના દિવસની શરૂઆત જ નથી કરતા. પોલીસ સ્ટેશનમાં આવે એટલે સૌથી પહેલા ગુલાબની સુંગંધ લે ત્યાર બાદ જ દિવસની શરૂઆત કરે છે. રાત્રે જતી વખતે પણ સાહેબ ગુલાબ વિના રહી શકતા નથી. શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીનો એટલો દબદબો છે કે તેના સિવાય પોલીસ સ્ટેશનનું પાંદડું પણ હલતુ નથી. ઘણા વર્ષોથી એક જ પોલીસ સ્ટેશનમાં અડ્ડો જમાવીને બેઠેલા આ પોલીસ કર્મચારી આમતો ખૂબજ શાંત સ્વભાવના છે પરંતુ તે ક્યાં અને કેવી રીતે પૈસાની ગોલમાલ કરી લે તેની કોઈને ગંધ પણ આવતી નથી. બને ત્યાં સુધી કોઈના ઉપર ગુસ્સે થયા વિના એમના દિમાગથી જ બધા કામ ખૂબજ સરળતાથી આંગળીના વેઢે કઢાવી લેવામાં તેમનું ગુલાબ ખૂબજ આગળ પડતું છે. આમ તો પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેક્ટર ચલાવતા હોય છે પરંતુ આ કેસમાં પોલીસ સ્ટેશન જ ગુલાબની સુગંધથી ચાલે છે. આ ગુલાબની સુગંધ બને ત્યાં સુધી અન્ય કોઈ કર્મચારીને દુર્ગંધ લાગતી નથી. પશ્ચિમ વિસ્તાર અને એસજી હાઈવેને અડીને આવેલા પોલીસ સ્ટેશનમાં જે PI આવે તેને ગુલાબની સુગંધ લેવી જ પડે છે.
આદેશ PSIનો પણ સ્ટાફ તેને PIનો માને છે
પોલીસ સ્ટેશન ચલાવવાની જવાબદારી આમતો પોલીસ ઈન્સપેક્ટરની હોય છે. પરંતુ એક પોલીસ સ્ટેશન એવું છે કે, આ પોલીસ સ્ટેશન PI નહીં પરંતુ એક PSI ચલાવતા હોવાની ચર્ચા જોરશોરથી પોલીસ બેડામાં ચાલી રહી છે. ચર્ચામાં એવું પણ જાણવા મળ્યું છે કે, આ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેક્ટર તરીકે એક મહિલા અધિકારી છે અને તેઓ ઘણા યંગ છે. જેથી જે પીએસઆઈ ચલાવે છે તે વર્ષોના અનુભવી છે. તેમને પોલીસ ઈન્સપેક્ટરના ખૂબ ખાસ માનવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં આ PSI હુકમ કરે એટલે આખા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેને પીઆઈનો આદેશ માની લે છે. પોલીસ સ્ટેશન ચલાવવા માટે જે તે પોલીસ ઈન્સપેક્ટર આમતો વહિવટદાર રાખે છે પરંતુ આ પોલીસ સ્ટેશનમાં ખુદ પીએસઆઈ જ વહિવટદાર હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસ ઈન્સપેક્ટર પોતે ચોખ્ખા રહી પીએસઆઈના ખભે જ બંદૂક ફોડી રહ્યાં છે.જો કે પીએસઆઈના પણ ખીસ્સા ગરમ થતા હોવાથી તેમને પણ મજા આવી રહી છે.