ગુજરાતના જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતિત થયાં છે. અંબાલાલ પટેલે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી બે થી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડી શકે છે. જ્યારે કચ્છમાં સિંગલ ડિઝિટમાં તાપમાન નોંધાઈ શકે છે. 27 અને 28 જાન્યુઆરીએ ઠંડીમાં રાહત થઈ શકે છે. જ્યારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરીવાર ઠંડીનું જોર વધી શકે છે.
પાકને નુકસાન ના થાય તેની ચિંતા ખેડૂતોમાં જોવા મળી
અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું હતું કે, ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાને કારણે મેદાની વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે. ફેબ્રુઆરીમાં રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. પવનની ગતિ વધવાને કારણે ઠંડીમાં પણ અસહ્ય વધારો થશે. અંબાલાલ પટેલની માવઠાની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કારણ કે ગત ચોમાસા પછી સતત થયેલા માવઠાને કારણે ખેડૂતોને મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. હાલમાં નવું વાવેતર થયુ છે અને મોટાભાગનું વાવેતર તૈયાર થઈ ગયું છે. જેથી પાકને નુકસાન ના થાય તેની ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે.