સમગ્ર ગુજરાતમાં ગઈકાલે સાંજથી જ શીતલહેરની અસર શરૂ થઈ ગઈ હતી. થથરાવી નાંખતી ઠંડીનો અહેસાસ થતાં જ લોકો ઠૂંઠવાયા હતાં. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 5.3 ડિગ્રી સુધી ઘટ્યો હતો. ગઈકાલથી ઠંડીનો અહેસાસ થતાં જ જનજીવનને અસર થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ પહેલા ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. એક તરફ લઘુતમ તાપમાનનો પારો ઉપર ચઢતા વાતાવરણમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ હતી.
પાંચ શહેરોનું તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચ્યું
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે એકાદ બે દિવસમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની અને તાપમાન 2થી 3ડિગ્રી નીચે ઉતરવાની આગાહી કરી હતી.આગાહીથી વિપરીત કોલ્ડવેવ ફરી વળતા મોટાભાગના શહેરોમાં તાપમાનમાં 5થી 7 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. સૂસવાટા મારતા ઠંડા પવનોથી લોકોની રોજીંદી જીવન શૈલી ખોરવાઈ ગઈ હતી. વાતાવરણમાં વ્યાપેલી તીવ્ર ઠંડીની અસર શનિવારે આખો દિવસ વર્તાઈ હતી.હાલમાં વ્યાપેલી શિતલહેર આગામી ત્રણેક દિવસ સુધી યથાવત રહેશે.હવામાન વિભાગે આગાહી કરી છે કે,ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ધીમે ધીમે 2થી 3 ડિગ્રી વધશે ત્યાર બાદના 24 કલાકમાં ફરી વખત તાપમાન 3થી 5 ડિગ્રી ઘટી જશે. એટલે કે આગામી દિવસોમાં હજી વધારે તીવ્ર ઠંડી માટે લોકોએ તૈયાર રહેવું પડશે.ગુજરાતમાં અચાનક જ ઠંડી વધવાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સ્નોફોલ છે.