ગુજરાત ATSએ નવસારીમાંથી ફૈઝાન શેખ નામના શખ્સની ધરપકડ કરી છે.ફૈઝાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની કટ્ટરપંથી વિચારધારાથી અત્યંત પ્રભાવિત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આતંકવાદી સંગઠનોના સંપર્કમાં રહીને ગુજરાતમાં ભય અને આતંક ફેલાવવાનું ગંભીર ષડયંત્ર રચી રહ્યો હતો.ATSની સતર્કતાને કારણે આ લોહિયાળ ખેલ ખેલાય તે પહેલા જ આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.જે મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો.
આતંકીની ધરપકડ કરી તપાસ શરૂ કરી
ATSની તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો.ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઈઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી હતી.આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે રીતે હથિયાર પણ મેળવ્યાં હતાં. હાલ ATSએ આ મામલે આતંકીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
ATSની ટીમ તેની કડક પૂછપરછ કરી રહી છે
હથિયારો કોણે પૂરાં પાડ્યાં અને અન્ય કોઈ તેની સાથે હતા કે કેમ એની તપાસ ચાલી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર, તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હોવાની શંકા છે.હાલમાં ATSની ટીમ તેની કડક પૂછપરછ કરી રહી છે. જેથી તેના અન્ય સાગરીતો અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે માહિતી મેળવી શકાય.આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે.