મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશની ઘટનામાં મોત થયું છે. બારામતીમાં પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના સામે આવી છે. અજિત પવાર એક પ્રાઈવેટ ચાર્ટડ પ્લેનમાં સવાર હતાં. સૌથી પહેલા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચારો વહેતા થયા હતાં અને ત્યાર બાદ તેમનું આ દુર્ઘટનામાં મોત થયું હોવાની ખબરો સામે આવી હતી. આ પ્લેનમાં અન્ય લોકો પણ સવાર હતાં. ડીજીસીએ દ્વારા આ પ્લેન ક્રેશમાં 6 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
પાંચમી વખત અજિત પવારને નાયબ મુખ્યમંત્રીનું પદ મળ્યું હતું
અજિત પવાર પ્રાઈવેટ કંપનીના પ્લેનમાં મુંબઈથી બારામતી જઈ રહ્યા હતાં. તેઓ સભા સંબોધવાના હતાં. અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતાં. આ વિમાન બારામતીથી ત્રણથી ચાર કિ.મી દૂર ક્રેશ થયું હોવાની ખબરો સામે આવી છે. પ્લેનમાં અજિત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી પણ હોવાની વિગતો સામે આવી છે. મહારાષ્ટ્રમાં 13 વર્ષમાં સતત પાંચમી વખત અજિત પવારને નાયબ મુખ્યમંત્રીનું પદ મળ્યું હતું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, 2 વધુ કર્મચારીઓ 1 PSO અને 1 એટેન્ડન્ટ અને 2 ક્રૂ સભ્યો સાથે વિમાનમાં હોવાની જાણકારી સામે આવી છે.