રાજકોટમાં ગોંડલ આટકોટ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર 8 ફૂટની ઊંચાઇથી બ્રિજ નીચે ખાબકી હતી અને તેમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિ આગમાં જીવતા ભૂંજાઈ ગયા હતાં. 108ના સુત્રોના જણાવ્યા પ્રમાણે એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી જઈ પુલ નીચે ખાબકી હતી. તેમાં અચાનક ભયાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે અંદર સવાર મુસાફરોને દરવાજો ખોલવાની પણ તક મળી ન હતી.
પોલીસે અકસ્માત સ્થળે પંચનામું કર્યું
દુર્ઘટનાની જાણ થતા જ ગોંડલ ફાયર ફાઈટર અને 112 જનરક્ષકની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં બધું જ રાખ થઈ ગયું હતું.કારની અંદર બે વ્યક્તિ સળગેલી હાલતમાં મળી આવ્યા હતાં. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હેલી સવારે હાઈવે પર છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોઈ શકે છે. ચાલકને ઊંઘનું ઝોકું આવી જતાં કાર પુલ નીચે ઉતરી ગઈ હોવાની પણ શક્યતા છે.હાલમાં પોલીસે અકસ્માત સ્થળે પંચનામું કરી મૃતકોની ઓળખ વિધિ માટેની પ્રક્રિયા હાથ ધરી છે. કારના નંબર અને એન્જિન નંબરના આધારે માલિકની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.