આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS અનામતનો મુદ્દો ફરી વાર ચર્ચામાં આવ્યો છે. જૂનાગઢમાં પાટીદાર આંદોલનકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં EWS અનામત અને ભાગેડુ લગ્નપ્રથા વિરુદ્ધ કાયદાની આંદોલનકારીઓએ માગ કરી હતી. આ આંદોલનકારીઓએ આગામી સમયમાં રેલી કાઢીને સભાઓ અને રેલીયો યોજવાની જાહેરાત કરી હતી.
શક્તિ પ્રદર્શન સૌરાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે
જૂનાગઢના ગાંઠિયા ઉમિયાધામ ખાતે પાટીદાર આંદોલનકારીઓએ આગામી સમય માટે એક રણનીતિ સ્પષ્ટ કરી હતી. આંદોલનકારીઓનું કહેવું હતું કે, સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો હજી સુધી પૂરા નથી થયાં. આંદોલનકારીઓએ માતા પિતાની સંમતિ વિના થતાં પ્રેમ લગ્ન વિરૂદ્ધ કડક કાયદો બનાવવો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામતનો અમલ કરવો,ગાંઠિલા મંદિરની આસપાસ રિવરફ્રન્ટનું નિર્માણ અને જરૂરી પુલની સુવિધા પૂરી પાડવી જેવા મુદ્દાઓની માગ કરી હતી. આંદોલનકારીઓએ એવી પણ ચીમકી ઉચ્ચારી હતી. આગામી એક મહિનામાં જૂનાગઢ ખાતે જંગી સભા અને રેલીનું આયોજન કરાશે. આ સભા દ્વારા પાટીદાર સમાજ પોતાની રાજકિય તાકાત બતાવશે. પાટીદાર આંદોલનકારીઓનું આ શક્તિ પ્રદર્શન સૌરાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે.