સુરત શહેરમાં સબ સલામતના દાવા વચ્ચે ગુનાખોરીનો આંક ઉપર આવી રહ્યો છે. શહેરમાં અસામાજિક તત્વોમાં પોલીસ કે કાયદાનો જાણે સહેજ પણ ડર રહ્યો નથી. આવારા તત્વો બેફામ બનીને ગુનાખોરીને અંજામ આપી રહ્યાં છે. શહેરના પૂણા વિસ્તારમાં જૂની અદાવતમાં એક કુરિયર બોય યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલો ઉભા થઈ રહ્યાં છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
કમર પર ચાકુ રાખીને તેને જાનથી મારી નાંખવાની ધમકી
સુરત શહેરમાં એક કુરિયર બોય તરીકે કામ કરનારા યુવકનું જૂની અદાવતમાં આઠ જેટલા શખ્સોએ માર મારીને જાહેરમાં ધોળા દિવસે અપહરણ કર્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ભોગ બનનાર યુવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. આરોપીઓ આ યુવકની કમર પર ચાકુ રાખીને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ તેને ગાડીમાં બેસાડી દેવાયો હતો અને ડીંડોલી બ્રિજ નીચે ફેરવીને કેસર ભવાની સોસાયટી પાસે ઉતારીને ફરાર થઈ ગયા હતાં. યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.