વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક રમૂજ તરીકે પ્રસ્તૂત કરીશું.લલકાર ન્યૂઝના પ્લેટફોર્મ પર રજૂ થતી ખાસ પ્રસ્તુતિ ખાખીની ખટપટ કોઈ કર્મચારી કે અધિકારીને નીચું દેખાડવા નહીં પરંતુ હળવી શૈલીમાં ખબરદાર કરવા માટે છે. તો વાંચો લલકાર ન્યઝની વેબસાઈટ પર અને જુઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર અઠવાડિયે રજૂ થતી ખાખીની ખટપટ.
સાહેબને ઘરે પત્ની વગર ચાલે પણ ‘એમ.એસ.'(MS) વગર એક પળ ના ચાલે!
ચર્ચા તો એવી છે કે, સાહેબને ઘરે પત્ની વગર ચાલે, પણ આ ‘એમ.એસ.’ (MS) વગર એક પળ ના ચાલે! DGP સાહેબે શહેરની બહાર ફંગોળી દીધા, છતાં આ વહીવટદારોના નેટવર્કમાં કોઈ ફરક પડ્યો નથી.બદલી થઈ હોવા છતાં, આજે પણ આ વહીવટદારો પોતાના ‘સેટ’ કરેલા માણસો દ્વારા ખિસ્સા ગરમ કરી રહ્યા છે. કાયદાનો ડર તો જાણે આ લોકોના મનમાંથી નીકળી ગયો છે! વાત કરીએ એક એવા પોલીસ સ્ટેશનની જેનું નામ તો નદી પરથી છે, પણ સાહેબ ત્યાં ‘સાબર’ની જેમ બધું જ તરી જાય છે! આ સાહેબ માટે એમ.એસ.એમના ઘરના ‘કુલ-દીપ’ સમાન છે. ભૂતકાળમાં પણ સાથે હતા, આજે પણ સાથે છે. સાહેબની રજેરજ માહિતી આ ‘દીપ’ પાસે હોય છે અને સાહેબના એક ઈશારે આખું કામ પાર પડી જાય છે.જનતાને ન્યાય મળે કે ન મળે, પણ સાહેબના ખાસ માણસનો વહીવટ ક્યારેય અટકતો નથી!
વહીવટદારો DGP કરતાં પણ વધુ પાવરફુલ
બીજી બાજુ, એક એવા સાહેબ છે જેમનું પોલીસ સ્ટેશન ‘લીમડા’ જેવું કડવું છે, પણ એમનો વહીવટ બહુ ‘મીઠો’ છે! આ સાહેબને ધર્મમાં એટલી આસ્થા છે કે પોતાની ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળે શિફ્ટ કરી દીધી અને ત્યાં બનાવી દીધી આલીશાન ફાઈવ-સ્ટાર જેવી ચેમ્બર!જ્યાં એક ચોક્કસ સમાજનો દબદબો છે, ત્યાં સાહેબની પાછળ ‘પડછાયા’ની જેમ એક ‘દીપ’ હંમેશા ફેલાયેલો રહે છે. કહેવાય છે કે આ સાહેબ પણ પત્ની વગર રહી શકે, પણ વહીવટદાર વગર એમને ચેન પડતું નથી. જનતાના કામ કરવાને બદલે, આખો દિવસ નવી ચેમ્બરમાં બેસીને માત્ર વહીવટની જ વાતો થાય છે! તો શું ઉચ્ચ અધિકારીઓના આદેશોની કોઈ કિંમત નથી? શું અમદાવાદ પોલીસના આ વહીવટદારો DGP કરતાં પણ વધુ પાવરફુલ થઈ ગયા છે? જેમને શહેરની બહાર કાઢ્યા હતા, એ લોકો આજે પણ પોલીસ સ્ટેશનોમાં કઈ હેસિયતથી વહીવટ કરી રહ્યા છે?
સર જેવા ખેજ ધરાવતા પોલીસ સ્ટેશનમાં શાળા બનેવીની જોડી ચર્ચામાં
અમદાવાદના લઘુમતિ વિસ્તારમાં આવેલા એક સર જેવા ખેજ ધરાવતા પોલીસ સ્ટેશનમાં શાળા બનેવીની જોડી ચર્ચામાં છે. જેઠાલાલ જેવા બનેવી ભલે અમદાવાદમાં ના હોય પણ તેમના આશિર્વાદથી સાળા સુંદરલાલ માટે જયનો જ ‘પાલ’ થાય છે. આ સુંદરલાલ પોતાના બનેવી પાસેથી કોઈપણ પોલીસ અધિકારીને ભલામણ રૂપે ફોન કરાવી બેડો પાર કરી નાંખતો હોવાની ચર્ચાઓ પોલીસ બેડામાં થઈ રહી છે. કાનુડા જેવા આ સુંદરલાલને અનેક યુવતીઓ મિત્રતા ધરાવતી હોવાની ચર્ચાઓ તેજ છે. જેમ તારક મહેતામાં કાવાદાવા કરીને સુંદરલાલ જેઠાલાલ પાસેથી કામ કઢાવતો હોય છે તેમ આ સુંદરલાલ બનેવીનો ઉપયોગ કરીને સામ, દામ, દંડ અને ભેદથી ખિસ્સાનો ભાર વધારતો હોવાની ચર્ચાઓ પણ પોલીસ બેડામાં થઈ રહી છે.
ગુજરાતના એક પોલીસ સ્ટેશનમાં યુનિવર્સિટી જેવો માહોલ
વિદ્યાર્થીઓની ચળવળ અને આંદોલન જેવા મુદ્દાઓ ચાલતા રહે છે તેવા ગુજરાતના એક પોલીસ સ્ટેશનમાં યુનિવર્સિટી જેવો માહોલ સર્જાયો છે. ત્યાં અધિકારી અને સમાજને કારણે ગીરીની બોલબાલા હોવાની અનેક ચર્ચાઓ છે. આ ગીરીનો રેલો ‘વાડ’ જેવા જ એક પોલીસ સ્ટેશન સુધી ફેલાયેલો હોવાની પોલીસ બેડામાં ચર્ચાઓ છે. આ ‘વાડ’ જેવા પોલીસ સ્ટેશનાં ગીરીનો મુ ‘કેશ’ જેવો જ તપતો સૂરજ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. યુનિવર્સિટી જેવું વાતાવરણ ધરાવતા પોલીસ સ્ટેશનમાં આ ગીરીએ સમાજના પાવરનો જબરદસ્ત ઉપયોગ કરતો હોવાની પણ પોલીસ બેડામાં ચર્ચાઓ થઈ રહી છે. જેમ ક્રિકેટમાં સચિન તેંદૂલકર ફટકાબાજી માટે જાણિતા છે તેમ આ ગીરી સાથે પણ એક ખેલાડી છે તે તેની માટે જબરજસ્ત ફટકાબાજી કરતો હોવાની પોલીસ બેડામાં ચર્ચા થઈ રહી છે.