ઓનલાઈન મોબાઈલ સહિતની વસ્તુઓ મંગાવનારા છેતરાઈ રહ્યાં છે કારણ કે ઠગબાજોની સક્રિયતા વધી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આવેલા પાર્સલમાંથી અસલી ચીજ કાઢીને એક ઈન્જેક્શનની મદદથી નકલી વસ્તુનું પેકિંગ કરી દેવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે આ કૌભાંડમાં આરોપીઓને પકડ્યા ત્યારે કેવી રીતે આ કૌભાંડ આચરવામાં આવતુ હતુ તેનો લાઈવ ડેમો લીધો હતો. જેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. ઠગબાજોએ માત્ર બે કે ત્રણ મિનિટમાં જ આખું પેકિંગ થયેલું પાર્સલ ખોલીને તેમાંથી અસલી વસ્તુ કાઢી નકલી વસ્તુ મુકી ફરી પાર્સલને પેક કરી દીધું હતું. આ પ્રકારની ઠગાઈ જોઈને પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. તો કેવી રીતે આ પાર્સલમાં એક ઈન્જેક્શનથી કમાલ થતો હતો તેની વાત કરીએ.
અસલી વસ્તુ કાઢીને નકલી વસ્તુ મુકી દેવાના આખા રેકેટનો પર્દાફાશ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આવતા પાર્સલમાંથી અસલી વસ્તુ કાઢીને નકલી વસ્તુ મુકી દેવાના આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ અને તેના મિત્રો દ્વારા વિવિધ ID દ્વારા ખોચા સરનામા પર ઓર્ડર બુક કરાવવામાં આવતો હતો. જ્યારે આ આર્ડરનું પાર્સલ આવે ત્યારે બધા સાથે મળી તેમાંથી અસલી વસ્તુ કાઢી દેતા હતાં અને તેના સ્થાને નકલી વસ્તુ મુકીને વિશાલ નામના આરોપીને આપતા હતાં. અમદાવાદના નવા નરોડામાં સ્થિત એક કુરિયર પાર્સલની કંપની દ્વારા ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મની કંપનીના પાર્સલો ડિલિવર કરવાનું કામ કરે છે. ગત 28મી જાન્યુઆરીએ એક કર્મચારીએ ઓર્ડર કેન્સલ થયો હોવા અંગે અને તેમાં છેડછાડ થવા બાબતે જાણ કરી હતી. જેથી તે પાર્સલની તપાસ કરતા તેમાંથી ડુપ્લીકેટ ફોન મળી આવ્યો હતો. જેથી ફરિયાદીએ ઓનલાઇન સોફ્ટવેરમાં તપાસ કરતા 1.34 લાખનો આઇફોન 17 પ્રો અને અન્ય 1.22 લાખનો ફોન સરદારનગરના સરનામા પર ડિલીવરી કરવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. ત્યાર બાદ વધુ તપાસ કરાતા કંપનીમાં કામ કરતા વિશાલ બાવરી આ વસ્તુઓ ડિલીવરી માટે લઇ ગયો હતો.જેથી વિશાલ બાવરીની પૂછપરછ કરતા તેણે વટાણા વેરી નાખ્યા હતા.
પેટ્રોલ જેવા દેખાતા એક પ્રવાહીને ઈન્જેકશનમાં ભર્યું
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જ્યારે આરોપીઓ પાસે ડેમો કરાવ્યો તો આરોપીઓએ પેટ્રોલ જેવા દેખાતા એક પ્રવાહીને ઈન્જેકશનમાં ભર્યું હતું અને તેની મદદથી બે મિનિટમાં જ પાર્સલ ખોલી બતાવ્યું હતું. આ જોઈને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા.પરત આવેલા અન્ય પાર્સલોની તપાસ કરાતા આઇફોન સહિત બે ફોન, 1.79 લાખની બે એપલ વોચ પણ છેતરપિંડીથી મેળવી હોવાનું ખુલવા પામ્યુ હતું.જે મામલે ક્રાઇમબ્રાંચે ગુનો નોંધી આરોપી રામલાલ ગેહલોત, મનોજ, માલી, ભરત સુંદેશા, વિશાલ પંચાલ, વિશાલ બાવરી નામના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 8 ફોન, 25 ડમી ફોન, ડમી ઇયર બડ, ગેમિંગ પ્રોસેસર, કેમેરા લેંસ, હેરડ્રાયર અને ગાડી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે હવે આ ગેંગના રીશીપાલ ભાટી અને વિનોદની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ અમદાવાદની સાથે રાજસ્થાન, સુરત અને વડોદરામાં પણ છેતરપિંડીના ગુના આચર્યા હતા.