વાચકમિત્રો, ‘ખાખીની ખટપટ’ નામથી અમે અહીં એક રસપ્રદ અને ખાસ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યા છીએ. આ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરવામાં આવે છે.
રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાતી મજેદાર વાત હોય કે પછી ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી ખાનગી ચર્ચા—આ પ્રકારની ઘટનાઓને અમે દર અઠવાડિયે એક રમૂજરૂપે રજૂ કરીશું. જોકે, લલકાર ન્યૂઝ પર રજૂ થતી ‘ખાખીની ખટપટ’ કોઈ કર્મચારી કે અધિકારીને નીચું દેખાડવા માટે નથી.
પરંતુ હળવી શૈલીમાં સાવધાન કરવા અને વાચકો સુધી અંદરની વાત પહોંચાડવાનો આ પ્રયાસ છે. તો વાંચતા રહો લલકાર ન્યૂઝની વેબસાઈટ પર અને જુઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર અઠવાડિયે રજૂ થતી ‘ખાખીની ખટપટ’.
કરોડોના બંગલામાં પોલીસ પુત્રના લગ્નમાં ગુનેગારો અને પોલીસની શરાબની મહેફિલ
શહેરના ‘સ્વીટ પોઈઝન’ તરીકે ઓળખાતા એક પોલીસ કર્મીએ તેના દીકરાના લગ્ન ગાંધીનગર નજીક આવેલા કરોડોની કિંમતના બંગલામાં યોજ્યા હતા. ચર્ચા છે કે આ બંગલાની કિંમત 20થી 25 કરોડ રૂપિયા વચ્ચે છે.
જો કે, આ બંગલો આ પોલીસ કર્મીનો પોતાનો છે કે ભાડાનો, તે મુદ્દે પણ ચર્ચાઓ ગરમાઈ છે. જાહોજલાલીથી આયોજિત થયેલા આ લગ્ન સમારંભમાં અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ વચ્ચે રાજ્યના નામચીન ગુનેગારો પણ સમારંભમાં હાજર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વરલી મટકા કિંગ તરીકે ઓળખાતી સિન્ડિકેટના સભ્યો, ‘સ્કોચ’ તરીકે ઓળખાતા જીગો, વિદેશી દારૂના સપ્લાયર ટીનો, ક્રિકેટ મેચના પંટરો તથા અન્ય ગુનેગારો દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હોવાની ચર્ચા છે.
આ મહા ખર્ચાળ આયોજનમાં અનેક પોલીસ અધિકારીઓ હાજર હતા. ખુલ્લેઆમ દારૂના જામ છલકાવાયા છતાં કાયદાના રક્ષકોએ મૌન ધારણ કર્યું હતું. પરિણામે, પોલીસ બેડામાં આ મુદ્દે જોરદાર ચર્ચા શરૂ થઈ છે.
નગરના નૈષધને મામાએ આનંદમાં આવીને ઉઠાવી 15 લાખનો તોડ કર્યાની ચર્ચા
અમદાવાદમાં ફરી એકવાર ક્રિકેટ સટ્ટાની મોસમ ખીલવા જઈ રહી છે. આ વચ્ચે શહેરના એક પોલીસ સ્ટેશનનો કર્મચારી ક્રિકેટ સટ્ટાના મામલે ચર્ચામાં આવ્યો છે.
ચર્ચા મુજબ, નગરના મામાએ આનંદમાં આવીને એક વ્યક્તિને ઉઠાવી લીધો હતો. ત્યારબાદ ક્રિકેટ સટ્ટાના નામે તેની પાસેથી 15 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
આ મામો અગાઉ પણ વિવાદોમાં રહ્યો હોવાનું ચર્ચાય છે. જોકે, હોશિયાર હોવાના કારણે તે વખતે બચી ગયો હતો. હવે ફરી ક્રિકેટની સિઝન શરૂ થતાં જ તે એક્ટિવ થયો હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.
શાંતિ જાળવવા માટેનો અશાંત ધારો ભ્રષ્ટ અધિકારીઓ માટે ‘ATM’! પેટ્રોલ પંપની મંજૂરી માટે 25 લાખનો ‘તોડ’
અમદાવાદના અનેક વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે સરકાર અને પોલીસ પ્રયાસો કરી રહી છે. શાંતિ માટેના કાયદાનો અમલ કરવા વહીવટી તંત્ર પણ સક્રિય છે.
પરંતુ અશાંત વિસ્તારને શાંત રાખવાના ધારાનો ખોટો ઉપયોગ થઈ રહ્યો હોવાની ચર્ચાઓ સામે આવી છે. સામાન્ય લોકો અને વેપારીઓ પાસેથી તોડ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ છે.
સૂત્રો મુજબ, શહેરના પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં પેટ્રોલ પંપની મંજૂરી માટે 25 લાખ રૂપિયાનો તોડ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મંજૂરી આપવામાં આવી હોવાની ચર્ચાઓ પોલીસ બેડામાં ચાલી રહી છે.
અશાંત ધારાનો હેતુ બે કોમ વચ્ચે શાંતિ જાળવવાનો છે. પરંતુ હવે આ ધારાનો ઉપયોગ લોકોના ખિસ્સા ખાલી કરવા માટે થઈ રહ્યો હોવાની ગંભીર ચર્ચાએ જોર પકડ્યું છે.