ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સ્કૂલોને બોમ્બની ધમકીના મેઈલ કરનાર આરોપીને પશ્ચિમ બંગાળથી ઝડપી લેવાયો છે. ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે, પોલીસે તેના રિમાન્ડ પણ મેળવી લીધા છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે. રાજ્યની કોર્ટ અને સ્કૂલોને ખાલિસ્તાનના નામે ઈમેલ કરનાર બિશ્વાસ નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
આરોપીને પોલીસે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો
ગુજરાતની સ્કૂલો, કોર્ટ, એરપોર્ટ અને વિવિધ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કેસમાં સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાંચ દ્વારા સંયુક્ત તપાસ ચાલી રહી છે. આ ઈમેલ કરીને ધમકી આપનાર માત્ર એક આરોપી નથી આવા અનેક લોકો હોઈ શકે તેવુ પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવા પણ આખું ઓપરેશન હાથ ધરાયું હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. આરોપીની પુછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. ધમકી આપનારા આરોપીઓને શોધવા માટે પોલીસે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી બિશ્વાસને પશ્ચિમ બંગાળથી ઝડપી લેવાયો છે.