વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક રમૂજ તરીકે પ્રસ્તૂત કરીશું.લલકાર ન્યૂઝના પ્લેટફોર્મ પર રજૂ થતી ખાસ પ્રસ્તુતિ ખાખીની ખટપટ કોઈ કર્મચારી કે અધિકારીને નીચું દેખાડવા નહીં પરંતુ હળવી શૈલીમાં ખબરદાર કરવા માટે છે. તો વાંચો લલકાર ન્યઝની વેબસાઈટ પર અને જુઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર અઠવાડિયે રજૂ થતી ખાખીની ખટપટ.
નિવૃત્ત પીએસઆઈ ફરી પોલીસ બેડામાં ચર્ચામાં આવ્યા
વરદી ઉતાર્યા પછી પણ જ્યારે સત્તાનો મોહ છૂટતો નથી, ત્યારે ‘વહીવટ’ના નવા સમીકરણો રચાય છે. ભૂતકાળમાં શહેરના પૂર્વ વિસ્તારના એક ઝોનમાં જેમના નામના સિક્કા પડતા હતા, તેમનો ચારેય બાજુ જય જગદીશ થાય છે તેવા નિવૃત્ત પીએસઆઈ ફરી પોલીસ બેડામાં ચર્ચામાં આવ્યા છે. એક સમયે ઝોનનો તમામ વહીવટ જેમના ઈશારે ચાલતો, તેઓ નિવૃત્તિ બાદ લાઈમલાઈટથી દૂર ફેંકાઈ ગયા હતા. જોકે, ઘણા સમય પહેલાં એક બુટલેગર સાથેની વાતચીત અને ઉચ્ચ અધિકારીઓ પ્રત્યેની અભદ્ર ટિપ્પણીનો વીડિયો વાયરલ થતા તેઓ વિવાદોના વંટોળમાં ફસાયા હતા. થોડા સમય માટે અજ્ઞાતવાસમાં રહ્યા બાદ, હવે આ નિવૃત્ત અધિકારીએ ફરી મેદાન પકડ્યું છે. આ વખતે તેમણે પીયુ સાથે જોડી બનાવી જય જગદીશના જાપ કરી રહ્યા છે. આ યંગ પોલીસ કર્મીની સજાના ભાગરૃપે ડીજીપી દ્વારા જિલ્લા બહાર બદલી કરી દેવાઈ છે. તેમ છતાં આ જોડી હવે બેરોકટોક પશ્ચિમ વિસ્તારના એક ઉચ્ચ આઈપીએસ અધિકારીના નામે વહીવટ કરી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. નિવૃત્ત અનુભવ અને યુવાન લોહીની આ જુગલબંધી સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં ભારે તરખાટ મચાવી રહી છે, જે પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય બની છે.
‘ટ્રાફિકના જાદુગરો’નો ખેલ: બદલી પછી પણ ટ્રાફિક વિભાગમાં હર્ષથી કલ્પના એશનો દબદબો
અમદાવાદના ટ્રાફિક વિભાગમાં અત્યારે ‘H-ફેક્ટર’ અને ‘K-સિન્ડિકેટ’ તરીકે ઓળખાતી જોડી ભારે ચર્ચામાં છે. આ બંને ‘ખેલાડીઓ’ શહેરના જાહેરનામાને કાગળનો ટુકડો સમજી ભારે વાહનોને પિક અવર્સમાં પણ ‘ગ્રીન સિગ્નલ’ અપાવવા માટે કુખ્યાત બન્યા છે. ડમ્પર અને ટ્રાવેલ્સના માલિકો માટે આ જોડી ‘સંકટમોચક’ સાબિત થઈ રહી છે, જ્યારે સામાન્ય જનતા ટ્રાફિકના ચક્કાજામમાં પીસાઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે, બદલીના આદેશો છતાં આ H અને Kની ‘ડાયનેમિક જોડી’ પર હજુ સુધી કોઈ કડક શિસ્તભંગના પગલાં લેવાયા નથી. સામાન્ય નાગરિક પાસેથી દંડ વસૂલતી પોલીસ પોતાના જ વિભાગના આ ‘ભ્રષ્ટાચારના સૂત્રધારો’ સામે કેમ મૌન છે, તે પોલીસ બેડામાં મોટો પ્રશ્ન બની રહ્યો છે.આ બંનેની બદલી થઈ ગઈ હોવા છતાં અમદાવાદ જેવા શહેરમાં બિન્દાસ્ત ઉઘરાણાં કરી પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે તેવી પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે.
‘રીલ-બાજ’ વહીવટદારે પીઆઈને બતાવ્યા લાખોના સપનાં,પણ આપ્યું ગાજર
શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા એક પોલીસ સ્ટેશનમાં એક એવો ‘વહીવટદાર’ છે જેને પોલીસિંગ કરતા સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવાનો ચસકો લાગ્યો છે. પોતાને આ વિસ્તારનો બેતાજ બાદશાહ સમજતા આ મહાશયના પાપે આજે ખાખીની આબરૂ ધૂળધાણી થઈ રહી છે. “રાજ તો સીના રાજનું જ” ના ભ્રમમાં રાચતા આ વહીવટદારની કરતૂતો હવે હદ વટાવી રહી છે. શાંત સ્વભાવના પીઆઈને મોટા સપના બતાવી, ડબલ આંકડામાં લાખોની મલાઈ તારવવાના વાયદા કરનાર આ ઠગબાજ માત્ર એક આંકડામાં વહીવટ પતાવી પોતાનું ખિસ્સું ગરમ કરી રહ્યો છે. પાઇરસીના કાળા કારોબારથી માંડીને અંડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગોમાં ઉઘરાણી કરવાની આ વહીવટદારની માસ્ટરી જગજાહેર છે. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ, થોડા સમય પહેલાં આ રીલ બાજ વહીવટદારની ડીજીપી દ્વારા ગાંધીજીના જન્મસ્થળ કે તેની આસપાસ ટ્રાન્સફર કરી છે તેમ છતાં આ શખ્સ ‘ધ વોલ’ જેવા વહીવટદારના ખભે બંદૂક મૂકીને લોકોને ટાર્ગેટ કરી રહ્યો છે. કોટ વિસ્તારમાં પોતાનું રાજ જાળવવા માટે અન્યને ફાવવા દેતો નથી.